ભારતમાતા આપણા માટે માત્ર જમીનનો ટુકડો નથી, પરંતુ ગૌરવ-સન્માન સાથે પૂજનીય દૈવી સ્વરૂપ છે. તેમ હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા રાષ્ટ્રભક્તિના જાગરણ અર્થે યોજવામાં આવેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્ઞાતિવાદ-જાતિવાદથી ઉપર ઉઠી દેશ જ સૌથી પહેલાં અને શ્રેષ્ઠ છે તેવો સંદેશ સમાજમાં જાય તે માટે આ કાર્યક્રમ ઉપયુક્ત બની રહેશે. હિંદુ સંસ્થાનો દેશના નવજાગરણ તથા દેશને જગતજનની બનાવવા માટે જે પ્રયાસ કરી રહ્યા છે તે સરાહનીય છે. દેશની ચેતનાને જાગૃત કરતા આવા કાર્યક્રમ દ્વારા વિશ્ર્વમાં દેશની પ્રતિષ્ઠા અને ગૌરવ અદકેરું સ્થાન બનાવશે.
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યના નેતૃત્વનું ફરીથી સુકાન સંભાળવા જઈ રહ્યો છું ત્યાર બાદનો અમારા માટેનો પણ આ સૌપ્રથમ કાર્યક્રમ છે અને તેની શરૂઆત રાષ્ટ્રવાદના આવા કાર્યક્રમથી થઈ છે તેનો આનંદ અને ગૌરવ છે.
દેશનાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, નદી નીર-વૃક્ષને પવિત્ર માનનારી આપણી પરાપૂર્વથી સંસ્કૃતિ રહી છે. આજે વિશ્ર્વમાં પર્યાવરણ અને આબોહવા ક્ષેત્રે જે પડકારો સર્જાયા છે તેનો સામનો કરવા માટે સમગ્ર વિશ્ર્વ આપણું નેતૃત્વ ઇચ્છી રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે, ભારતીય સંસ્કૃતિનાં જતન અને સંવર્ધન માટે જેટલું ઋષિ-મુનીઓનું પ્રદાન છે તેટલું જ પ્રદાન દેશને એક અને અખંડ રાખવા માટે દેશના બહાદુર સૈનિકોનું ત્યાગ અને સમર્પણ રહ્યું છે.
સૈનિકોને યાદ કરી તેમનું સન્માન કરવાનો આ કાર્યક્રમ આવનારી પેઢીઓને પણ પ્રેરણા આપી રહેનારો બની રહેશે તેવો વિશ્ર્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
રાષ્ટ્રભક્તિનાં જાગરણનાં આ કાર્યક્રમમાં ત્રણ પેઢીને સમાવિષ્ટ કરતાં ૧૬૨ કલાકારોનાં સંગીતકાર વૃંદે રાષ્ટ્રભક્તિથી તરબોળ કરતાં ગીતોની પ્રસ્તુતિ કરી હતી.
જાણીતા ગાયકો પાર્થિવ ગોહિલ, પ્રહર વોરા, બંકીમ પાઠક, અભિજીત રાવલ, દક્ષા ગોહિલ દ્વારા રજૂ કરાયેલા દેશભક્તિનાં ગીતોની પ્રસ્તુતિને ઉપસ્થિતોએ હર્ષનાદથી વધાવી લીધી હતી.
આ પ્રસંગે કીર્તિચક્ર, શૌર્યચક્ર, સેનાના વિશિષ્ટ મેડલથી સન્માનિત વીરનાયકોનું તિલક વંદનાથી સન્માન કરાયું હતું. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, આ કાર્યક્રમમાં વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.