પારસીઓના પવિત્ર સ્થળ વલસાડના ઉદવાડા ખાતે ત્રિદિવસીય ઇરાનશા ઉદવાડા ઉત્સવનો મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉદવાડા ઉત્સવ તા.૨પમી ડિસેમ્બર સુધી યોજાશે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતુ કે, વિશ્ર્વનો સૌથી નાનો સમાજ એ પારસી સમાજ છે. જેણે વિશ્ર્વને તેની સંસ્કૃતિ, ટેકનોલોજી, વિજ્ઞાન, ઉદ્યોગ સહિના ક્ષેત્રને નવી ઊંચાઇઓ બક્ષી છે. દેશના ગૌરવવંતા પારસીઓએ આન બાન અને શાન સાથે ગુજરાતને વૈશ્ર્વિક સ્તરે ચમકતુ રહે તે માટે યોગદાન આપ્યું છે. જર્મનીમાં શ્યામજી કૃષ્ણવર્મા, સરદાર રાણા અને મેડમ કામાએ ઇ.સ. ૧૯૨પમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો. ગુજરાતની મીઠાશ વધારવામાં પારસીઓનો ફાળો બહુમૂલ્ય છે. ગુજરાતની પ્રજા સાથે પારસીઓ દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે. મુસીબતમાં સંઘર્ષનો સામનો કેવી રીતે કરાય તે આપણે પારસીઓ પાસેથી શીખ્યા છીએ. પારસીઓએ આપણને હસતા શીખવ્યું છે. દેશમાં પારસી સમાજે પ્રેમ, સ્નેહ આપ્યો છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ઉદવાડા સાંપ્રદાયિક સદભાવનાનું સૌથી મોટું તીર્થધામ છે. સરકાર, સમાજ, સંસ્થા અને પારસી સમાજ સાથે જોડાઇને ઉદવાડાના આ પવિત્ર સ્થળને વૈશ્ર્વિક ઓળખ મળે અને ગ્લોબલ કેપિટલ તરીકે આગળ વધે તે માટે રાજય સરકાર કટિબદ્ધ છે. ગુજરાતમાં વિકાસ સાથે સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરવું છે. આવનારી પેઢી ઉચ્ચ મૂલ્યો સાથે જોડાય અને ગરવી ગુજરાતનું નિર્માણ થાય તેવો પ્રયાસ રાજય સરકાર કરશે. ગુજરાત સોલાર એનર્જી ક્ષેત્રે વર્લ્ડ કેપિટલ બનવા આગળ વધી રહ્યું છે, ત્યારે શ્રીજી ઇરાનશા નવી શકિતના કેન્દ્રીય અલ્પસંખ્યક વિભાગના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે, ભારતના સામાજિક સૌહાર્દ અને સુદઢ સમાજના નિર્માણમાં પારસી સમુદાયનો ફાળો બહુમૂલ્ય રહ્યો છે. પારસી સમુદાય સંસ્કાર અને સંસ્કૃતિ બીજા સમાજ માટે રોલ મોડેલ રહ્યો છે. પારસી સમાજની ગરિમા, સાંસ્કૃતિક વિરાસતને આગળ વધારવા કેન્દ્ર સરકાર શકય તેટલી મદદ કરશે. પારસી સમાજની વસ્તી વધે તે માટે મંત્રાલયએ જીયો પારસી યોજના શરૂ કરી છે, જેના દ્વારા પારસી સમાજને જાગૃત કરવામાં આવી રહ્યો છે.
ઉદવાડા ઇરાનશા ઉત્સવ-૨૦૧૭ અવસરે વડા દસ્તુરજીએ સૌને આવકાર્યા હતા. દિનશા તંબોલી સહિત પારસી સમાજના આગેવાનો, વિશ્ર્વભરના પારસીઓ ઉત્સવમાં જોડાયા હતા. સાંસદ કે.સી.પટેલ, દમણના સાંસદ લાલુભાઇ ટંડેલ, ધારાસભ્યો કનુભાઇ દેસાઇ, ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રભાઇ ટંડેલ, કલેકટર સી.આર.ખરસાણ, જિલ્લા વિકાસ અધિકારી ગૌરાંગ મકવાણા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.