ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૯૯ બેઠકો સાથે બહુમત મેળવીને સરકાર રચવાનો દાવો કર્યો હતો. સળંગ છઠ્ઠી વખત રાજ્યમાં ભાજપે સત્તાનો તાજ હાંસલ કર્યો છે અને આજે મુખ્ય પ્રધાન તેમ જ નાયબ મુખ્ય પ્રધાન સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનોનો શપથવિધિ સમારોહ પાટનગર ગાંધીનગરના સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર આજે મંગળવારે સવારે ૧૧.૪૫ કલાકે યોજાયો હતો. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ મુખ્ય પ્રધાનપદે વિજય રૂપાણીને તેમજ ડેપ્યુટી સીએમ પદે નીતિન પટેલને પદ તેમ જ ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા. રૂપાણી પ્રધાનમંડળમાં સીએમ ડેપ્યુટી સીએમ સહિત ૧૦ કેબિનેટ પ્રધાનો તેમ જ ૧૦ રાજ્યકક્ષાના પ્રધાનોને પણ રાજ્યપાલે શપથ લેવડાવ્યા હતા. તમામ પ્રધાનોને ખાતાની ફાળવણી આજે બુધવારે કરવામાં આવશે. વિજય રૂપાણીના પ્રધાનમંડળનું કદ ૨૦ સભ્યોનું રાખવામાં આવ્યું છે. જેમાં ૫ પાટીદાર તથા ઓબીસી, દલિત, જૈન, ક્ષત્રિય, આદિવાસી જ્ઞાતિને એક એક પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. તેમ જ રાજ્યકક્ષાના કુલ ૧૦ પ્રધાનોમાં ઓબીસી-૫, આદિવાસી-૦૨, ક્ષત્રિય, પાટીદાર, બ્રાહ્મણ જ્ઞાતિને એક એક પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. ગુજરાતના ૩૩ જિલ્લામાંથી ૧૪ જિલ્લાને પ્રધાનમંડળમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ - સુરત શહેર અને જિલ્લાને ત્રણ ત્રણ પ્રતિનિધિત્વ તથા રાજકોટ અને ભાવનગર જિલ્લાને ૨-૨ પ્રતિનિધિત્વ અને મહેસાણા, પાટણ, બનાસકાંઠા, પંચમહાલ, વલસાડ, ભરૂચ, કચ્છ, દાહોદ, જામનગર અને બોટાદ જિલ્લાને એક એક પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. આમ પ્રધાનમંડળમાં અમદાવાદ અને સુરત જિલ્લાને સૌથી વધુ પ્રાધાન્ય પાછળ સૌથી વઘુ બેઠકો ઉપર ભાજપનો વિજય કારણભૂત છે. અમદાવાદ જિલ્લામાંથી ૧૬ અને સુરત જિલ્લામાંથી ૧૫ બેઠકો ભાજપને મળી હતી. પ્રધાનમંડળમાં નવા પ્રધાનોનો સમાવેશ કરાયો છે. જેમાં આર સી ફળદુ, ઈશ્ર્વર પરમાર, વિભાવરી દવે, કિશોર કાનાણીનો સમાવેશ કરાયો છે. ભૂતકાળમાં પ્રધાન રહી ચૂકેલા હોય પરંતુ ગત ટર્મમાં પ્રધાન જ ના બન્યા હોય તેવા કૌશિક પટેલ, પરબત પટેલ, રમણ પાટકરને પણ સ્થાન અપાયું છે. વિજય રૂપાણીની ગત સરકારમાં પ્રધાન ના હોય અને આ વખતે સામેલ કર્યાં હોય એમાં સૌરભ પટેલનો સમાવેશ કરાયો છે.