દેશના ભારતીય જનતા પક્ષ (ભાજપ)-શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષના થયેલા ભવ્ય વિજય બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ભરપૂર પ્રશંસા કરી હતી.
ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, મહારાષ્ટ્ર, આસામ અને બિહારના મુખ્ય પ્રધાનોએ ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય પ્રધાનપદના બીજી વખત શપથ લેનારા વિજય રૂપાણીના કાર્યના ભારે વખાણ કર્યા હતા.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ સતત છઠ્ઠી વખત સત્તા પર આવ્યો તે અમારા બધા માટે આનંદની વાત ગણાય.
તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે રાજ્યની ઘણી પ્રગતિ થઇ હતી. અમુક લોકો માનતા હતા કે મોદી ગુજરાત છોડી જશે તે પછી ભાજપ ફરી સત્તા પર નહિ આવે, પરંતુ તેઓની ધારણા ખોટી પડી છે. ભારતીય જનતા પક્ષે પચાસ ટકા જેટલા મત મેળવ્યા છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને અભિનંદન આપ્યા હતા.
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ ગાંધીનગર આવ્યા હતા, પરંતુ ગુજરાતના પ્રધાનોની શપથવિધિમાં હાજર રહી નહોતા શક્યા.
શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ગુજરાતની ચૂંટણીના પરિણામ બતાવે છે કે રાજ્યના લોકોને મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહમાં હજી વિશ્ર્વાસ છે. તેમણે આ કાર્યક્રમ બાદ પત્રકારોને જણાવ્યું હતું કે મેં મતદારોનો આભાર માન્યો હતો અને વિજય રૂપાણી તેમ જ નીતિન પટેલને અભિનંદન આપ્યા હતા. રાજ્યમાં ભાજપ સતત છઠ્ઠી વખત સત્તા પર આવ્યો એ એક મોટી ઘટના ગણાય. ગુજરાતે વિકાસનો અલગ નવો નમૂનો રજૂ કર્યો છે. છત્તીસગઢના મુખ્ય પ્રધાન રમણ સિંહે જણાવ્યું હતું કે મોદી, શાહ અને પક્ષના કાર્યકરોની મહેનતને પરિણામે ગુજરાતમાં અમારો વિજય થયો છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપની સરકાર ફરી આવી છે. અમે મોદી અને અમિત શાહના આભારી છીએ. ભાજપ એક રાજ્યમાં ૨૭ વર્ષ શાસન કરે એ એક ઇતિહાસ જ ગણાય.
હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર, આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે પણ ગુજરાતની નવી સરકારને શુભેચ્છા પાઠવી હતી.