માઇનસ ૪.૪ ડિગ્રી સેલ્સિયસ સાથે જમ્મુ અને કાશ્મીરના સમર કેપિટલ શ્રીનગરમાં મોસમની સૌથી ઠંડી રાત નોંધાઇ હતી. જોકે માત્ર કાશ્મીરમાં જ નહીં ઉત્તર ભારતના તમામ પર્વતાળ રાજ્યોમાં સખત ઠંડી પડી હતી વર્ષના પહેલા દિવસે અને સાથે ત્રાટકેલા ધુમ્મસને લીધે હવાઇ, રેલ અને માર્ગ વ્યવહાર ખોરવાયો હતો તથા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન ખાતાએ આપેલી માહિતી પ્રમાણે શ્રીનગર શહેરમાં આ મોસમમાં આ અગાઉ પચીસમી ડિસેમ્બરે માઇનસ ૪.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. દિવસે સૂર્યનારાયણના આગમન સાથે તાપમાન વધ્યું હતું, પણ એનો અર્થ એ થયો કે રાતે હજુ ઘટશે. આગામી ૨૪ કલાકમાં હવામાન સૂકું રહેવાનો અંદાજ જાહેર કરાયો હતો.
રાજ્યમાં રવિવારની રાતે માઇનસ ૧૪.૫ ડિગ્રી સેલ્સિયસ સાથે લેહ લડાખ વિસ્તાર સૌથી ઠંડો રહ્યો હતો.
સમગ્ર રાજ્યમાં શીતલહેરનો પ્રકોપ ચાલું છે અને હવામાન વિભાગના બધા કેન્દ્રો પર પારો માઇનસની નીચે જ નોંધાયો હતો.
કાશ્મીરના કાઝીગુંડમાં તાપમાન માઇનસ ૩.૪ ડિગ્રી સેલ્સિયસ, કોકરનાગ ટાઉનમાં માઇનસ ૨.૪ ડિગ્રી સેલ્સિયસ, કુપવાડામાં માઇનસ ૪.૦ ડિગ્રી સેલ્સિયસ,
પ્રસિદ્ધ સ્કી રિસોર્ટ ગુલમર્ગમાં માઇનસ ૭.૫ ડિગ્રી સેલ્સિયસ, પહલગામમાં માઇનસ ૫.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હોવાની માહિતી હવામાન વિભાગે આપી હતી.
કાશ્મીર હાલ ચિલ્લઇ કલાનની લપેટમાં છે. આ મોસમમાં ૪૦ દિવસ સૌથી સખતમાં સખત ઠંડી પડતી હોય છે, વારંવાર મોટા પ્રમાણમાં બરફ પડતો હોય છે અને તાપમાન ઘણું નીચું જતું હોય છે. ૩૧મી જાન્યુઆરીએ એનો અંત આવે છે, પણ ત્યાર બાદ શીતલહેર ચાલું રહે છે. ૪૦ દિવસની મહાઠંડી બાદ ૨૦ દિવસની નાની ઠંડી (ચિલ્લઇ ખુર્દ) અને ત્યાર બાદ ૧૦ દિવસની ચિલ્લઇ બચ્ચા (સૌથી નાની ઠંડી)નો ગાળો હોય છે.