ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં અને રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી. સતીષજીની પ્રેરક ઉપસ્થિતિમાં સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કમલમ ખાતે યોજાયેલી ભાજપની સંગઠનાત્મક બેઠકની માહિતી આપતા જણાવ્યું હતું કે આજની આ બેઠકમાં સંગઠનાત્મક કાર્યો અને લોકસેવા માટે ચરૈવેતી-ચરૈવેતીના વિચારમંત્ર સાથે ભાજપના આગામી કાર્યક્રમોના સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત સરકાર દ્વારા લાગુ કરાયેલ ફી નિયમનના કાયદા અંગેના હાઈ કોર્ટના ઐતિહાસિક જનહિત ચુકાદામાં વાલીઓ તેમ જ વિદ્યાર્થીઓના હિતના રક્ષણ માટે કટિબદ્ધ છે તેવું લાગણીનું પ્રતિબિંબ ભાજપ સરકારે પાડ્યું છે તેને સહર્ષ આવકારીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની આગેવાનીવાળી ભાજપાની રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા. પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે આ ઉપરાંત આગામી સમયમાં યોજાનાર ૭૫ જેટલી નગરપાલિકા, ૧૭ તાલુકા પંચાયત અને બે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટેની પૂર્વ તૈયારી અંગે ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી તેમ જ આગામી કાર્યક્રમો અને ચૂંટણીલક્ષી પૂર્વ તૈયારીને આખરી ઓપ આપવા માટે તારીખ ૪ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બે પ્રકારની બેઠક રાખવામાં આવી છે. સવારે ૧૦.૩૦ કલાકે પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા-મહાનગરના પ્રભારીઓ, મોરચાના પ્રદેશ પ્રમુખોની એક અગત્યની બેઠક મળશે અને તે પછી બપોરે ૨.૦૦ કલાકે તમામ જિલ્લા-મહાનગરના પ્રમુખ-મહામંત્રીઓ, નગરપાલિકાની ચૂંટણીના જવાબદાર ઇન્ચાર્જો આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.