હજારો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર એવા ઐતિહાસિક તખ્તેશ્ર્વર મહાદેવ મંદિરના નિર્માણના ૧૨૫ વર્ષ પૂર્ણ થતા શિવભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયો છે અને ૧૨૫મા વર્ષની ઉજવણી માટે ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરાયા હતા. ભાવનગરના નેક નામદાર મહારાજા તખ્તસિંહજી ગોહિલ જી. સી. એસ. આઈ. એ. આ શિવાલય બંધાવી સોનાના થાળા સાથે સંવત ૧૯૪૯માં ઇસવીસન ૧૮૯૩ના જાન્યુઆરી માસમાં અર્પણ કર્યું હતું જે અંગેની નોંધ હાલમાં મંદિર પર લાગેલી તક્તીમાં જોઈ શકાય છે. મંદિર નિર્માણ પૂર્વે બનેલો એક પ્રસંગ ટાંકતા હાલના પૂજારી સુરેશગીરી ગોસ્વામીએ જણાવ્યું કે એક ફકીરી સંતના આદેશથી આ તખ્તેશ્ર્વર મહાદેવ મંદિરનું નિર્માણ થયેલું. ૧૮૦૦ પાદરના ધણી મહારાજ તખ્તસિંહજી ગોહિલ પોતાના રાજ્યમાં પ્રવાસે નીકળેલા ત્યારે બોટાદ નજીકના નવહથ્થા હનુમાનજી મંદિર પાસે સંત મસ્તરામબાપુ બિરાજમાન હતા. મહારાજા તખ્તસિંહજીએ સંત મસ્તરામબાપુને દંડવત પ્રણામ કરી સેવા માટે કાઈ હુકમ હોય તો જણાવવા આગ્રહ કર્યો ત્યારે પૂ. બાપુએ ‘નામ તેનો નાશ છે’ તેમ કહી લોકો યાદ કરે અને રૈયતને ઉપયોગી થાય તેવા કામ કરવા પ્રેરણા કરી હતી આથી મહારાજા તખ્તસિંહજીએ ઊંચી ટેકરી પર પોતાના નામ પરથી આ આરસ પહાણનું મંદિર બાંધી અર્પણ કર્યું હતું. આ ઉપરાંત એક ધર્મશાળા અને સર. તખ્તસિંહજી હૉસ્પિટલનું પણ આજ સમયમાં નિર્માણ કરી રાજ્યની જનતાની સેવા સુખાકારી માટે અર્પણ કરી હતી. તખ્તેશ્ર્વર મંદિર નિર્માણને ૧૨૫ વર્ષ વીતી ગયા છતાં પણ આજે કાળની અનેક થપાટો ખાઈને પણ મંદિર અડીખમ ઊભું છે. જે ઉત્તમ કળા સાથે તેની મજબૂતાઈનો પુરાવો છે. ધરતીકંપ અને વાવાઝોડાની કુદરતી આફતો વચ્ચે પણ મંદિર મજબૂત રીતે ઊભું છે. આ મંદિરનો વહીવટ સિટી મામલતદાર એટલે કે સરકાર હસ્તક છે. આ મંદિર અસંખ્ય ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર છે. તો સહેલાણીઓને મનગમતું સ્થળ છે. પ્રવાસીઓ અને વિદેશીઓને માટે પણ આકર્ષણરૂપ રહ્યું છે.