પ્રત્યેક જીવ માત્ર પ્રત્યે સંવેદના અને જીવ રક્ષાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતારૂપે આ અભિયાન શરૂ થયું છે. તેમણે જણાવ્યું કે ઉતરાયણના તહેવારો દરમિયાન પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ ન થાય તેમ જ ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે આ અભિયાન અનવયે રાજ્યમાં વનકર્મીઓ અને બિનસરકારી સેવા સંસ્થાના મળીને ૭ હજાર વ્યકિતઓ પક્ષીઓ અને અબોલ પશુ જીવોની ઇજામાં સારવાર માટે કાર્યરત કરાયા છે, એવું વિજય રૂપાણીએ જણાવ્યું હતું. ઉતરાયણ પર્વે પતંગના દોરાને કારણે પક્ષીઓને થતી ઇજાઓથી બચાવવા કરુણા અભિયાન દ્વારા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનુ તેમણે કહ્યું હતું. અમદાવાદમાં વાઇલ્ડલાઇફ સેન્ટર ખાતે રૂપાણી એ રાજ્યવ્યાપી કરુણા અભિયાન નો પ્રારંભ કરાવતા કહ્યું કે, પશુપાલન વિભાગ ના અને વન વિભાગ ના ૭૮૧ દવાખાના ૪૬૯ પશુ ચિકિત્સકો આ કરુણા અભિયાનમાં સેવા આપશે. મુખ્યમંત્રી એ સ્પષ્ટ પણે કહ્યું કે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ઉતરાયણ દરમિયાન ન થાય તે માટે તંત્ર પૂર્ણ પણે સજાગ છે અને આવા દોરા ના વેચાણ સામે કાર્યવાહી પણ થઇ રહી છે. અંદાજે ૬ લાખથી વધુના આવા દોરા પકડવામાં આવ્યા છે. વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં ઘાયલ પક્ષીઓને બચાવવા ૬૬૧ ટીમો તેમ જ કપાયેલા પતંગના દોરા ઉતારવા ૫૭૬ ટીમો રાખવા માં આવી છે. તેમણે ઘાયલ પશુની તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવા માં આવી છે એ માટે ૧૯૬૨ હેલ્પ લાઈન કાર્યરત છે તેના પર સંપર્ક કરવાથી તાત્કાલિક સારવાર મળી રહેશે. તેમણે એવું પણ ઉમેર્યું હતું કે, ઉતરાયણનો આ તહેવાર કોઇ પક્ષી-પશુનો જીવ લેનારો ઘાતક ન બને તે માટે તંત્ર સરકાર અને સૌ નાગરિકો જીવદયા ભાવથી સહયોગી બને. મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે મકરસંક્રાંતિ પતંગ ઉત્સવમાં દોરીઓને કારણે પશુ-પંખીઓને અને ઘણીવાર માનવીઓને પણ ઇજા થાય છે. ગત મકરસંક્રાંતિમાં કરુણા અભિયાનના કારણે ૨૩,૦૦૦થી પણ વધુ પંખીના જીવ બચાવવામાં સફળતા મળી હતી. આ વખતે અભિયાનને વધુ વ્યાપક બનાવવા રાજ્ય સરકારે સુદૃઢ આયોજન કર્યું છે, જેમાં ૫,૦૦૦થી વધુ વનકર્મી સ્ટાફ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સ્વયંસેવકો સાથે મળી પક્ષી બચાવવાનું સેવાકાર્ય કરશે.