આગામી તા. ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ને મહા માસની પૂર્ણિમાના રોજ થનાર સંપૂર્ણ ચંદ્રગ્રહણ ભારત સહિત એશિયા, અમેરિકા, રશિયા, ઑસ્ટ્રેલિયા વગેરે સ્થળોએ દેખાશે. કર્ક રાશિમાં થનાર ગ્રહણ ૨૦૧૮નાં વર્ષનું પ્રથમ ગ્રહણ છે. આ ચંદ્રગ્રહણ ૩૧મીની સાંજે ૬.૧૮ કલાકે શરૂ થઈ રાત્રે ૮.૪૧ કલાકે પૂર્ણ થશે. આ વખતે સુપર મૂન, રેડ મૂન, અને બ્લુ મૂનનો અનોખો ત્રિવેણી સંગમ હોઈ સામાન્ય જન તેમ જ ખગોળ શોખીનો ગ્રહણ નિહાળવા ખૂબ જ ઉત્સાહિત છે. આ અંગે કચ્છ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના મુખ્ય સંયોજક અને કચ્છ એસ્ટ્રોનોમી ક્લબના પ્રમુખ નરેન્દ્ર ગોર સાગરે જણાવ્યું હતું કે સૂર્ય એ પ્રકાશિત ગોળો છે જ્યારે ચન્દ્ર અને પૃથ્વીને પોતાનો પ્રકાશ ન હોવાથી તેમનો પડછાયો અવકાશમાં સતત ક્યાંક ને ક્યાંક પડતો હોય છે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની બરોબર સીધી લીટીમાં આવે છે ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડતાં પૂનમની રાત્રીએ પણ ચંદ્રની ચાંદની દેખાતી નથી જે ને આપણે ચંદ્રગ્રહણના નામે ઓળખીએ છીએ. વાસ્તવમાં દરેક પદાર્થના પડછાયા બે પ્રકારના હોય છે. ઘેરો પડછાયો અને આછો પડછાયો. ખગોળની ભાષામાં ઘેરા પડછાયાને ઉમ્બ્રા અને આછા પડછાયાને પેનુમ્બ્રા કહેવામાં આવે છે. પડછાયાના મધ્ય ભાગે ઘાટો પડછાયો હોય છે. જ્યારે તેની આજુ બાજુ આછો પડછાયો હોય છે. અવકાશમાં ચંદ્ર પૃથ્વીની કઈ છાયામાંથી પસાર થાય છે તેના ઉપર ચંદ્રગ્રહણના પ્રકારનો આધાર હોય છે. તા. ૩૧ના સાંજે ૫.૧૮ કલાકે ચંદ્ર પૃથ્વીની ઘેરી છાયામાં પ્રવેશ કરશે અને ગ્રહણની શરૂઆત થશે. સપૂર્ણ ચંદ્ર ગ્રહણની શરૂઆત ૬.૨૧ કલાકે થશે, પરંતુ તે સમયે ચંદ્ર હજી ઉગ્યો નહીં હોવાથી બંને ઘટના જોવા મળશે નહીં. ચંદ્રનો ઉદય દરેક સ્થળોએ અલગઅલગ સમયે થશે. ગુજરાતમાં સાંજે ૬.૩૦ કલાકની આસપાસ ચંદ્ર ઉદય થશે ત્યારે સંપૂર્ણ ઘેરાયેલો ચંદ્ર જોવા મળશે.