રાજ્યમાં યોજાનારી નગરપાલિકા, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય નિશ્ર્ચિત છે, એવું જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું. ભાજપની પ્રામાણિક અને વિકાસલક્ષી શાસન-વ્યવસ્થાને લીધે આજે ગુજરાતના નગરો પણ શહેર સમકક્ષ સુવિધાયુક્ત થયા છે. તાજેતરમાં જ યોજાયેલ વિધાનસભાની ચૂંટણીઓમાં સતત છઠ્ઠીવાર પ્રજાએ ભાજપાની વિકાસલક્ષી રાજનીતિ પર મહોર મારી છે. વાઘાણીએ કૉંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતુ કે, ૧૯૯૫ પહેલા ગુજરાતમાં કૉંગ્રેસના શાસનમાં ગામડાંઓ તથા નગરોની હાલત અત્યંત દયનીય હતી. કૉંગ્રેસના શાસનમાં ગુજરાતના ગામડાઓ તથા નગરોમાં પીવાના પાણી, રોડ-રસ્તા, વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ શા માટે ઉપલબ્ધ નહોતી? તેનો જવાબ કૉંગ્રેસ આપે. ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટેની અબજો રૂપિયાની ગ્રાન્ટ કૉંગ્રેસના શાસનમાં ક્યાં જતી રહેતી? તેનો જવાબ કૉંગ્રેસ આપે. ગુજરાતમાં કૉંગ્રેસની સતત ત્રણ દાયકાથી હાર થઇ છે, ગુજરાતની પ્રજા કૉંગ્રેસને સ્વીકારવા તૈયાર નથી, કૉંગ્રેસ તેનો જનાધાર ખોઇ બેઠી છે છતાં, કૉંગ્રેસ વાસ્તવિકતાથી દૂર મુંગેરીલાલ કે હસીન સપનેની જેમ નગરપાલિકાઓ જીતવાના ખ્વાબ જોઇ રહી છે. કૉંગ્રેસ જ્યારે- જ્યારે સત્તા પર આવી છે ત્યારે, ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. કૉંગ્રેસ માટે સત્તા એ ભ્રષ્ટાચારનું સાધન જ્યારે ભાજપા માટે સત્તા એ સેવા માટેનું માધ્યમ છે. કૉંગ્રેસના જુઠ્ઠાણાઓ અને ઠાલા વચનોને ગુજરાતની જનતા સુપેરે ઓળખે છે. સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ કૉંગ્રેસનો કારમો પરાજય નિશ્ર્ચિત છે.