નર્મદાથી સોરાષ્ટ્રમાં સમૃદ્ધિના વાવેતર થયા છે
રાજકોટના આજીમાં નર્મદાના પાણીના વધામણા કરવા વડાપ્રધાન બન્યા પછી પ્રથમવાર રાજકોટ આવેલા વડાપ્રધાનનું રાજકોટની મુલાકાત ઐતિહાસિક બની રહી. એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી મનસુખભાઇ માંડવીયા, કૃષિમંત્રી ચીમનભાઇ શાપરીયા, મેયર ડો. જયમનભાઇ ઉપાધ્યાય, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા, ડીજીપી ગીથા જોહરી, કલેકટર ડો. વિક્રાંત પાંડે, પોલીસ કમિશનર અનુપમ ગેહલોત, જીલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખિયા, શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ ભવ્ય સ્વાગત કર્યા બાદ એરપોર્ટની બહાર ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ધનસુખભાઇ ભંડેરી, નીતિન ભારદ્વાજ, ડે. મેયર દર્શીતાબેન શાહ, સ્વામીનારાયણ સંતો અને અનેક શહેરીજનોએ વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. લોકોનો ઉત્સાહ જોઇ નરેન્દ્ર મોદીએ દરવાજો લોકોનો ઉત્સાહ જોઇ નરેન્દ્ર મોદીએ દરવાજો ખોલી મળવા બહાર નીકળી સૌનુ અભિવાદન જીલ્યું હતું.
દિવ્યાંગોને સાધન સહાય
રાજકોટ આવ્યા બાદ રેસકોર્સ ખાતે દિવ્યાંગ બાળકોને સાધન સહાય અર્પણ કરવાના કાર્યક્રમમાં તેમના હસ્તે ૧૭૫૮૯ દિવ્યાંગોને સાધન સહાય કરવાનો વિશ્ર્વ વિક્રમ નોંધાયો. કાર્યક્રમમાં રાજકોટ સાથેના સંસ્મરણો તાજા કરતા કહયું હતું કે જો રાજકોટમાંથી મને જીતાડવામાં ન આવ્યો હોત તો આજે હું દિલ્હીની ગાદી ઉપર ન હોત. આ શહેરને નમન કરું છું. રાજકોટમાં સૌથી નોંધપાત્ર બાબત એ રહી હતી કે, જંગી બહુમતીથી દેશના વડાપ્રધાન પદે બિરાજતા નરેન્દ્રભાઇ મોદીએ દિવ્યાંગો સૌથ સંવેદના દર્શાવવા ભાવસભર અપીલ કરી હતી. દિવ્યાંગો માત્ર તેના પરિવારની જ નહિ પણ આખા દેશની જવાબદારી છે અને તેઓનું સશક્તિકરણ કરવામાં આવે તો દેશના વિકાસમાં સહભાગી બની શકે છે.
આ તકે કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતે સ્વાગત પ્રવચનમાં કહ્યુ કે સમગ્ર રાષ્ટ્ર દિવ્યાંગોની પડખે ઉભું હોય તેવા વડાપ્રધાનના પ્રયાસો છે.
ત્યારબાદ આજીમાં નર્મદાનીરના વધામણા કરવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજારોની ઉત્સાહિત મેદની સમક્ષ ભાવવાહી ઉદ્બોધનમાં કહ્યું કે ‘ આ પાવન પાણી આપણાં ભાગ્યને બદલી નાખશે.’ તેમણે ‘રાજકોટ-સૌરાષ્ટ્રની જનતા પાસે હું પાણી બચાવવાની ભીખ માગું છું ‘ તેમ કહી પાણીનાં સંયમપૂર્ણ ઉપયોગ પર ભાર મૂક્યો હતો.
આજી ડેમે નર્મદાનીરમાં શ્રીફળ અને પૂષ્પ અર્પણ કરી નજીકમાં જ ઊભા કરાયેલા વિશાળ સમિયાણામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચતા મેદનીએ ‘મોદીમોદી’ ના નારા લગાવ્યા હતા. રાજકોટના પ્રજાજનો સન્મુખ પ્રવચન દરમિયાન એક તબક્કે ભાવૂક થઈ ગયેલા વડાપ્રધાને ‘મારા પર આટલો બધો પ્રેમ વરસાવવા બદલ ઋણી છું ‘ એમ કહ્યું હતું.
પાણી બચાવવા માટે અપીલ કરવાની સાથોસાથ એમ કહયું હતું કે હું પી.એમ. તરીકે તમારી પાસે ભીખ માંગું છું કે પાણી બચાવજો.
તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે, નર્મદા યોજનાથી ગુજરાતની સમૃદ્ધિ વિકાસયાત્રાનો દાયકો શરૂ થશે. સૌરાષ્ટ્ર-કચ્છના લોકાએ પાણી માટે ઘણી મુશ્કેલીઓ વેઠી છે.
નર્મદા યોજનાને ગુજરાતની મોટી ઉપલબ્ધિ છે. પાછલા ઘણા દાયકાઓથી અઘુરી રહેલી નર્મદા યોજનાનું કામ રાજયમાં ભાજપના શાસનમાં તેજીથી આગળ વધારવામાં આવ્યું. દક્ષિણ ગુજરાત સ્થિત સરદાર સરોવર બંધથી લગભગ ૪૭૦ કિલોમીટર દુર તેમજ ૬૫ માળના મકાન જેટલી ઉંચાઇ પર સ્થિત સૌરાષ્ટ્ર કચ્છમાં નર્મદાનું પાણી પહોંચાડવું ઘણું મુશ્કેલ હતું. આ મુશ્કેલ કાર્ય પ્રદેશમાં ભાજપશાસિત કેશુભાઇ પટેલની સરકારથી લઇને વર્તમાન(મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની)સરકાર સુધીએ પુરુ કરીને બતાવ્યું છે. આનાથી સુકા પ્રદેશોમાં સૌરાષ્ટ્રના આજીડેમ હવે નર્મદાના પાણીથી ભરી શકાશે.
નીચેથી ઉપર પાણી ચડાવું એ ઘણું મુશ્કેલ કામ પછી નર્મદાનું પાણી હવે સૌરાષ્ટ્ર-કચ્છની સુકી જમીનની તરસ છીપાવશે. નર્મદા યોજનાની ઉપલબ્ધિથી રાજયમાં સમૃદ્ધિ વિકાસ યાત્રાનો દાયકો શરૂ થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહયું હતું કે પાણી પરમાત્માનો પ્રસાદ છે. નર્મદા મૈયા સૌરાષ્ટ્રનું ભાગ્ય બદલશે. શહેરની પાસે આજીડેમમાં નર્મદાના નીરને વધાવતા મોદીએ જણાવ્યું હતું કે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર પાણીના સંકટથી મુશ્કેલ સમય વિતાવ્યો છે. સરકારે ભુખ્યા રહીને લગાતાર પરિશ્રમ કરી સૌરાષ્ટ્રને નર્મદાના નીર પ્રદાન કર્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રનુ ભાગ્ય બદલી નાખશે. તેમણે કહયું કે ન્યારી ડેમની વાત જ નીરાળી છે ત્યાં આજી ડેમ અહીંના લોકોને ખુશ રાખે છે.
મોદીનો ઐતિહાસિક રોડ શો
રાજકોટ આવેલા નરેન્દ્ર મોદીનું શહેરના લાખો લોકોએ અભુતપૂર્વ અભિવાદન કર્યું હતું. ત્રણ ઇંચ ધોધમાર વરસાદ પછી મેઘાવી માહોલમાં યોજાયેલા મોદીના રોડ શોમાં જંગ જનમેદનીએ ૯ કિલોમીટરના રૂટ ઉપર મોદી મોદીના નારા લગાવી પ્રચંડ લોકપ્રિયતાનું પ્રદર્શન કર્યું હતું.