આરોગ્યક્ષેત્રે વધતા ખર્ચ સામે ગરીબ અને નિયો મિડલ ક્લાસને મદદરૂપ થવા ગુજરાત સરકારે મુખ્યમંત્રી અમૃતમ- મા, વાત્સલ્ય જેવી યોજનાઓ શરૂ કરી છે. જેને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ કાર્ડના લાભ લેવા માટે રૂ.૧.૨૦ લાખની આવકની મર્યાદા વધારીને રૂ.૨.૫૦ લાખ કરવાની ચોમેરથી માંગણી ઉઠી ત્યારે સરકારે રાજ્યના તમામ નાગરિકોને હેલ્થ ઈન્સ્યોરન્સનુ કવચ આપવા વિચારણા શરૂ કરી છે. જાન્યુઆરીમાં યોજનારી વાઈબ્રન્ટ સમિટમાં ઈન્સ્યોરન્સ સેક્ટરની કંપનીઓ સાથે રાજ્ય સરકાર એમઓયુ સાઈન કરે તો નવાઈ નહી !
કેન્સર, કિડની, હદ્યરોગ જેવા ગંભીર રોગોમાં સરકારે પહેલાથી જ મુખ્યમંત્રી અમૃતમ- મા કાર્ડ હેઠળ રૂ.૨ લાખ સુધીનો સારવાર ખર્ચ ઉપાડી રહી છે. હવે તો તેના માટે પ્રાઈવેટ, ગ્રાન્ટેડ અને ટ્રસ્ટોની હોસ્પિટલોને પણ સરકારે માન્યતા આપી છે. અત્યાર સુધીમાં ૧.૮૯ લાખથી વધારે નાગરિકોને ગંભીર બિમારીઓમાં જીવતદાન મળ્યુ છે. આથી, રાજ્યના તમામ નાગરિકોને આવી કોઈ યોજના હેઠળ આવરી લેવા માટે તેમને હેલ્થ ઈન્સ્યોરન્સથી આવરી શકાય કે કેમ ? તે અંગે આરોગ્ય વિભાગે આ ક્ષેત્રની કંપનીઓ, તજજ્ઞો પાસેથી રિસર્ચ રિપોર્ટ મંગાવ્યો છે. જેમાં ગરીબ અને નિયો મિડલ ક્લાસનુ પ્રિમિયમ સરકાર ભરે અને અન્ય તમામ વર્ગોની હેલ્થ પોલિસી માટે સામાન્ય રાહત આપે તેવા વિકલ્પો ઉપર વિચાર થઈ રહ્યો હોવાનુ સુત્રોમાંથી પ્રાપ્ત થયુ છે. આ ક્ષેત્રની કંપનીઓ સાથે પણ સરકારે વાટાઘાટો શરૂ કરી છે. એક પણ રાજ્યમાં નાગરિકોને હેલ્થ ઈન્સ્યોરન્સનો લાભ મળતો નથી. માત્ર ભારત સરકારે શ્રમિકો માટે રૂ.૧૮૦૦૦ની મર્યાદામાં આ પ્રકારની પોલિસીથી તેમના આરોગ્યને રક્ષણ આપ્યુ છે.
ગુજરાત સરકારે પોતાની વીમા કંપની સ્થાપવા માટે મંજૂરી પણ માગી છે
વિદ્યાર્થીઓ, ખેડૂતો, મહિલાઓ, શ્રમિકો, સફાઈ કામદારો જેવા અનેક વર્ગને વિમાનુ રક્ષણ પુરૂ પાડતી ગુજરાત સરકાર વર્ષે દાહડે રૂ.૩૦૦ કરોડથી વધુનું પ્રિમિયમ ચુકવે છે. આથી, રાજ્ય સરકારે પોતાની વીમા કંપની સ્થાપવા ભારત સરકાર સમક્ષ મંજૂરી માંગી છે. નાણા વિભાગમાં કાર્યરત ડાયરેક્ટોરેટ ઓફ ઈન્સ્યુરન્સના કહેવા મુજબ હજી તેની સુધી મંજૂરી મળી નથી.