બજેટમાં જાહેર કરવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને જાણ કરો એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભાજપના સંસદસભ્યોને જણાવતા કહ્યું હતું કે તેના કારણે પક્ષ આગામી ચૂંટણીમાં વિજય મેળવી શકશે એમ આ બેઠકમાં હાજર નેતાઓએ જણાવ્યું હતું.
સંસદસભ્યોને મળનારી સફળતા એ પક્ષના દેખાવ સાથે જોડાયેલી છે એમ વડા પ્રધાને ભાજપની સંસદીય બેઠકમાં જણાવ્યું હતું એમ આ નેતાએ જણાવ્યું હતું.
આ બેઠકમાં પક્ષ પ્રમુખ અમિત શાહે પણ પક્ષના સભ્યોને સંબોધ્યા હતા. તેમણે કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે તેઓ પોતાના પક્ષના જ લોકો માટે બિનલોકશાહીભર્યું પગલું ભરી રહ્યા છે. લોકસભામાં બુધવારે વડા પ્રધાનના ભાષણમાં અનેક વાર અડચણ ઊભી કરી હતી. ‘આ બેઠકમાં મોદીએ કેન્દ્રીય બજેટની ખૂબ જ લંબાણપૂર્વક ચર્ચા કરી હતી અને આ બજેટ ખેડૂતો અને ગરીબો માટે ખૂબ જ સકારાત્મક છે એમ કહીને તેમણે ૧૦ કરોડ કુટુંબ માટે સ્વાસ્થ્ય વીમા યોજનાની જાહેરાત કરવામાં આવી છે તેનો ઉલ્લેખ કર્યો હતો,’ એમ સંસદીય બાબતોના પ્રધાન અનંતકુમારે પત્રકારોને જણાવ્યું હતું.
બજેટમાં લોકો તરફી જે વિવિધ યોજનાઓ છે તેની લોકોને જાણ કરવામાં આવે એમ મોદીએ સંસદસભ્યોને જણાવ્યું હતું.
‘સંસદસભ્યો બૂથ સ્તરે બેઠકો યોજે અને બજેટમાં જે કલ્યાણકારી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તે અંગેની લોકોને જાણ કરે એટલું જ નહીં, પણ ખૂબ જ મોટા પાયે તેનો પ્રચાર કરે અને તેની જાણ કરવા માટે ખાસ ઝૂંબેશ ચલાવે એમ મોદીએ જણાવ્યું હોવાનું કુમારે કહ્યું હતું.
આ બેઠકમાં હાજર કેટલાક નેતાઓએ બેઠક પૂરી થયા બાદ જણાવ્યું હતું કે, ‘વડા પ્રધાને આગામી ચૂંટણી જીતવા માટે આ યોજનાઓનો પ્રચાર જરૂરી છે એમ ભારપૂર્વક જણાવતા કહ્યું હતું કે સંસદસભ્યોનો વિજય એ પક્ષનો જ વિજય ગણાશે.’
તેમણે વિવિધ સ્થળોએ બજેટની ચર્ચા કરવા નાણાપ્રધાન અરુણ જેટલીએ લોકસભામાં જે જવાબ આપ્યો હતો તે જણાવવા માટે સંસદની કાર્યવાહી જેવી પરિસ્થિતિ ઊભી કરવાનું જણાવ્યું હતું.
મોદીએ રાજ્યસભામાં અમિત શાહે આપેલા તેમના પ્રથમ ભાષણથી પણ ખૂબ જ પ્રશંસા કરી હતી.