બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીના હસ્તે શિલાપૂજન.
‘આ મંદિર બે ધાર્મિક પરંપરાઓ વચ્ચે સદભાવનાની ભૂમિ બનશે...’ – પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી.
યુનાઈટેડ આરબ અમિરાતની રાજધાની અબુધાબી ખાતે આજે તા. 11 ફેબ્રુઆરી અને વિજયા એકાદશીના પવિત્ર દિવસે અખાતી દેશોના પ્રથમ પરંપરાગત શૈલીના હિન્દુ મંદિરનો વેદોક્ત ભૂમિપૂજન કાર્યક્રમ વિધિવત્ સંપન્ન થયો હતો. આ મંદિરનું નિર્માણકાર્ય સંભાળી રહેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીના હસ્તે હજારો ભક્તોની ઉપસ્થિતિમાં દુબઈ-અબુધાબી રાજમાર્ગ પર અબુ મુરૈકા ખાતે હજારો ભક્તો પણ આ વિધિમાં શામેલ થયા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દુબઈના વિખ્યાત ઓપેરા હાઉસ ખાતે 1800થી વધુ મહાનુભાવોની મેદની વચ્ચે આ શિલાપૂજનમાં ભાગ લેતાં મંદિરની પ્રતિકૃતિનું વિધિવત્ ઉદ્ઘાટન કર્યું હતું. આરબ દેશોના પ્રતિક રૂપ ખજૂરીના વૃક્ષપર્ણો વચ્ચે મુકાયેલી આ શિખરબદ્ધ મંદિરની આ મોડેલ બે સંસ્કૃતિઓ વચ્ચેની સદભાવનાનું એક અનોખું દર્શન બની રહ્યું હતું. આ પ્રસંગે વિશાળ જનમેદનીને સંબોધતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, કદાચ કેટલાંય દશકો પછી ભારત અને અખાતી દેશો વચ્ચે આવો ઉંડો અને વાઈબ્રન્ટ સંબંધ બંધાયો છે. અખાતી દેશોના 30 લાખથી વધુ ભારતીયો અહીંની વિકાસયાત્રામાં ભાગીદાર બન્યા છે. અખાતી દેશોના શાસકોએ અહીં ભારતીયોને પોતાના બીજા ઘર જેવું ઉત્તમ વાતાવરણ પુરુ પાડ્યું છે, તે બદલ હું તેમનો આભારી છું. જ્યારે 2015માં અબુધાબીના ક્રાઉન પ્રિન્સને મળવાનું થયું ત્યારે તેમણે આ મંદિરની વાતને આગળ ધપાવી હતી. હું સવા સો કરોડ ભારતીયો વતી તેમનો આભાર વ્યક્ત કરું છું. આ મંદિરનું નિર્માણ સદભાવનાના સેતુ પર થઈ રહ્યું છે. મંદિર માનવતા અને સંવાદિતાનું એક માધ્યમ અને ઉદ્દિપક છે. સ્થાપત્યની દૃષ્ટિએ, આધુનિક ટેકનોલોજીની દૃષ્ટિએ, મેસેજિંગની દૃષ્ટિએ આ મંદિર અનોખું જ બનશે, ભારતની આગવી ઓળખ બનશે. અહીંના શાસકોએ ભારત પ્રત્યે સન્માન દર્શાવ્યું છે અને ભારતીય સાંસ્કૃતિક પરંપરાનું ગૌરવ કર્યું છે ત્યારે આપણાથી કોઈ ચૂક રહી ન જાય તે જોવાની આપણી જવાબદારી છે.’
વહેલી સવારે બરાબર 8.15 વાગ્યે અબુ મુરૈકા ખાતે એક વિશાળ સુશોભિત પંડાળમાં આ ભૂમિપૂજન વિધિ આરંભાયો હતો. આરબભૂમિ પર વૈદિક મંત્રોના ગાન વચ્ચે વાતાવરણ અત્યંત પવિત્ર અને સદાસ્મરણીય બની રહ્યું હતું.
શિલાપૂજન અને ભૂમિપૂજન વિધિ સંપન્ન કરીને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ આશીર્વચન ઉચ્ચારતાં કહ્યું હતું કે, ‘બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અનુસાર આ મંદિર પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં રચાઈ રહ્યું છે, જે આરબ દેશોમાં ભારતીય સંસ્કૃતિ, સંવાદિતા, મૈત્રી અને ઉદાર સેવા ભાવનાઓનું એક ધબકતું કેન્દ્ર બનશે. આ મંદિર કોઈપણ પ્રકારના નાત-જાત કે ધર્મ વગેરેના ભેદભાવ સિવાય સૌ કોઈને આવકારશે. આ મંદિર અહીં વસતાં ભારતીયોની આવનારી અનેક પેઢીઓને ભારતીય સંસ્કૃતિ સાથે જોડી રાખશે અને તેમનામાં વૈશ્વિક સંસ્કારોનું સિંચન કરશે.’ તેમણે આશા વ્યક્ત કરી હતી કે, 2020 સુધીમાં આ મંદિરનું નિર્માણ કાર્ય સંપન્ન થઈ જાય તેવી સંભાવના છે. અખાતી દેશોમાં પત્થરમાંથી નિર્મિત પરંપરાગત શૈલીનું આ પ્રથમ હિન્દુ મંદિર ભારતમાં ઘડતર પામશે અને અબુધાબી ખાતે તે પત્થરો દ્વારા જીગ્સો પઝલની જેમ મંદિરની રચના સંપન્ન થશે.
વિશ્વભરમાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી અક્ષરધામ જેવાં મહામંદિરોની રચના કરનાર બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રચાઈ રહેલા મંદિરના આ વિધિવત્ પ્રારંભથી ભારતીયોમાં ખુશાલી પ્રવર્તી ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે તા. 10 ફેબ્રુઆરીના રોજ અબુધાબી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શ્રી શેખ અલ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાન અને પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી તથા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીની વિધિવત્ મુલાકાત યોજાઈ હતી. આ પ્રસંગે મંદિરની યોજના સમજાવતાં વિશિષ્ટ પ્રકલ્પને માણીને તેઓ પ્રભાવિત થયા હતા. સંતોએ ભારતીય પરંપરા મુજબ અમૃતકળશ અર્પીને તેમનું અભિવાદન કર્યું હતું. શ્રી ક્રાઉન પ્રિન્સે આ મંદિરના નિર્માણ બદલ હર્ષ વ્યક્ત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.