આજકાલ અનેક લોકો મોટાપાની સમસ્યાથી પીડાતા હોય છે. આમ, જો તમે પણ તમારા વધેલા વજનને થોડા જ દિવસોમાં ઉતારવા ઇચ્છો છો તો આ અર્ધ હલાસન તમારા માટે બેસ્ટ છે. આ આસન કેવી રીતે થાય તે જાણી લો તમે પણ…
પદ્ધતિ
આ આસન ઉત્તાનપાદાસન જેવું જ છે, ફરક માત્ર એટલો છે કે, ઉત્તાનપાદાસનમાં પગ 30 ડિગ્રીએ ઊંચા કરવામાં આવે છે, જ્યારે અર્ધ હલાસનમાં બંને પગ 90 ડિગ્રીએ ઊંચા કરવામાં આવે છે.
1. જમીન ઉપર ચત્તા સૂઈ જાઓ. બંને હાથને શરીર સાથે સીધા જમીન પર અડાડી રાખો અને હથેળી જમીન પર રાખવી. બંને પગને સીધા અને એકબીજાની નજીક રાખો.
2. શ્વાસ લઈને હળવેકથી બંને પગને જમીન પરથી ઉઠાવીને 90 ડિગ્રી સુધી લઈ જાઓ અને આ પોઝિશન થોડા સમય સુધી જાળવી રાખો. પગ ઊંચા કરતી વખતે તે ઢીંચણથી વળી ના જાય તેનું ધ્યાન રાખવું.
3. પછી હળવેકથી પગ નીચા લાવવા. આમ કરતી વખતે આંચકો ના લાગે તેનું ધ્યાન રાખવું. પગ જમીન પર લાવ્યા પછી થોડો આરામ કરવો. આવું છ વખત કરવું.
4. પીઠનો દુખાવો હોય તેવી વ્યક્તિઓએ એક જ પગ ઉઠાવીને આ કસરત કરવી. એક પગની કસરત કરી લીધા બાદ તેને જમીન પર મૂકી દીધા પછી બીજા પગે આ કસરત કરવી.
લાભ
1. વજન ઘટાડવામાં આ આસન ખૂબ જ મદદરૂપ થાય છે.
2. કબજિયાત, ગેસની તકલીફ દૂર થાય છે.
3. નાભિ ખસતી હોય તેવી સમસ્યા માટે આ આસન લાભદાયી છે. આ ઉપરાંત હૃદયની બિમારીઓ, પેટનો દુખાવો તેમજ શ્વાસોચ્છવાસની બિમારીમાં પણ રાહત મળે છે.
4. પીઠના દુખાવામાં એક જ પગે કસરત કરવી લાભદાયી છે.