પાટનગર નજીક આવેલું ગિફટ સિટી હવે ઝડપભેર ફાઈનાન્શિયલ વર્લ્ડનું પાવર હાઉસ બની રહ્યું છે. નરેન્દ્ર મોદીએ તત્કાલીન મુખ્ય પ્રધાન તરીકે ગિફટ સિટીના નિર્માણથી ગુજરાતને માત્ર નાણાં સંસ્થાઓ જ નહીં પરંતુ કોમોડિટી એકસચેન્જ, શેર ટ્રાન્ઝેકશન્સ, ડેરીવેટીવ્ઝ અને આંતરરાષ્ટ્રીય સ્ટોક માર્કેટનું હબ બનાવવાનું સેવેલું સપનું હવે સાકાર થયું છે, રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્ય પ્રધાને ગિફટ સિટીમાં ખાનગી બૅંકના આઈએફએસસી ન્યૂ હેડકવાર્ટરનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈના નેતૃત્વની કેન્દ્ર સરકારે વર્તમાન બજેટમાં ગિફટ સિટી માટે જે વિશેષ પ્રોત્સાહનો આપ્યા છે તે ગુજરાતને દેશના નવા આર્થિક કેન્દ્રના રૂપમાં વધુ વ્યાપક સ્તરે વિક્સિત કરશે. દેશની કુલ વસ્તીના પાંચ ટકા વસ્તી ધરાવતું ગુજરાત દેશના અર્થતંત્રના વિકાસમાં સાત ટકાથી વધુ યોગદાન આપી રહ્યું છે. ગુજરાતે વિશ્ર્વને બતાવ્યું છે કે ભવિષ્યને ધ્યાને રાખીને ફયુચરીસ્ટીક ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ કરાવાય તો મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બની શકાય છે મુખ્ય પ્રધાને વિશ્ર્વાસ દર્શાવ્યો કે ગિફટ સિટીમાં ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટયૂટસ, બૅંકસ વગેરેના આગમનથી ગુજરાતના યુવાઓ માટે અનેકવિધ રોજગાર અવસર મળશે.