રાજ્યભરમાં ખેડૂતોને મગફળીના પૂરતા અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે ખાસ અભિયાન હાથ ધર્યું છે. રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી મગફળી ખરીદી કરવાનો સ્તુત્ય નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકારે ટેકાના ભાવની યોજના અંતર્ગત ખેડૂતોને મગફળીના પોષણક્ષમ અને પૂરતાં ભાવ મળી રહે તે માટે તા. ૨૫/૧૦/૨૦૧૭થી નાફેડ દ્વારા રાજ્યમાં ટેકાના ભાવથી વિવિધ કેન્દ્રો ખાતે મગફળીની ખરીદી કરવામાં આવી હતી. જેમાં ખેડૂતો પાસેથી ૮૦૮૭૦૭૧.૬૮ ક્વિન્ટલ મગફળીને ખરીદી કરવામાં આવી છે, જેનું મૂલ્ય રૂ. ૩૬૩૯.૧૮ કરોડ થાય છે, તેમ ખેતી નિયામકે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોને તેમની પરસેવાની કમાણીનાં નાણા ઓનલાઈન ચૂકવવા માટે પારદર્શી પદ્ધતિ અપનાવી છે. ખેડૂતો પાસેથી ખરીદાયેલી મગફળીનાં ચૂકવવામાં આવતા નાણાં સીધા ખેડૂતોના બૅંક ખાતામાં જમા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં નાફેડ દ્વારા ખેડૂતોને રૂ. ૨૮૩૩.૬૪ કરોડ ચૂકવવામાં આવેલા છે. આ ઉપરાંત ખેડૂતોને મગફળીના નાણાં સમયસર ચૂકવાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૪૧૬.૩૫ કરોડનું રીવોલ્વિંગ ફંડ પૂરું પાડવામાં આવેલ છે. જે ખેડૂતોએ ખરીદ કેન્દ્રો પર મગફળી વેચી છે. તેવા મોટાભાગના ખેડૂતોને તેમના નાણાં ચૂકવવામાં આવેલા છે, તેમ જ બાકી રહી ગયેલા ખેડૂતો માટે ચુકવણીની પ્રક્રિયા ચાલુ છે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.