નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ના નેતા કોનરાડ સંગમાએ મેઘાલયના રાજ્યપાલ ગંગાપ્રસાદને મળીને ૩૪ વિધાનસભ્યના ટેકા સાથે સરકાર રચવાનો દાવો કર્યો હતો.
નેશનલ પીપલ્સ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ કોનરાડ સંગમા ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને અન્ય પ્રાદેશિક પક્ષના ટેકાથી મેઘાલયના આગામી મુખ્ય પ્રધાન બનવાની શક્યતા છે.
કોનરાડ સંગમા રવિવારે સાંજે રાજ્યપાલ ગંગાપ્રસાદને મળ્યા હતા અને વિધાનસભ્યોના ટેકાને લગતો પત્ર સુપરત કર્યો હતો.
મેઘાલયના નવા મુખ્ય પ્રધાનની છઠ્ઠી માર્ચે શપથવિધિ થવાની સંભાવના છે. કોનરાડ સંગમાએ નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ના વિધાનસભ્યોની સાથે બેઠક યોજ્યા બાદ જણાવ્યું હતું કે અમારા પક્ષના વિધાનસભ્યો રાજ્યના અને તેના લોકોના વિકાસ માટે કટિબદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે યુતિ સરકાર ચલાવવી ક્યારેય સહેલું કામ નથી હોતું, પરંતુ મને રાજ્યના વિકાસ માટે બધાનો સહકાર મળવાની આશા છે.
કોનરાડ સંગમાએ જણાવ્યું હતું કે રાજ્ય વિધાનસભાની મુદત આગામી બે-ત્રણ દિવસમાં પૂરી થતી હોવાથી આ દિવસો ઘણાં મહત્ત્વના છે. રાજ્ય વિધાનસભાની મુદત સાતમી માર્ચે પૂરી થતી હોવાથી તેની પહેલાં નવી સરકારની રચનાનું બધું કામ પૂરું થઇ જવું જોઇએ.
ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના વિધાનસભ્ય હિમંત વિશ્ર્વ શર્માએ જણાવ્યું હતું કે કોનરાડ સંગમા રાજ્યના આગામી મુખ્ય પ્રધાન બનશે અને કોઇ નાયબ મુખ્ય પ્રધાન નહિ હોય. તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે હાલમાં એનપીપીના ૧૯, ભાજપના બે, યુનાઇટેડ ડેમૉક્રેટિક પાર્ટી (યુડીપી)ના છ, એચએસપીડીપીના બે, પીડીએફના ચાર અને અપક્ષના એક વિધાનસભ્ય મળીને કુલ ૩૪ વિધાનસભ્ય છે અને અમારું સંખ્યાબળ હજી વધી શકે છે. ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના વિધાનસભ્ય હિમંત વિશ્ર્વ શર્માએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ કોઇપણ ગણતરી કે સરકાર રચવાની રૂપરેખા નક્કી કર્યા વિના પક્ષના ચાર વરિષ્ઠ નેતાને શિલોંગ મોકલ્યા છે. મને રાહુલ ગાંધીમાં પરિપકવતા નથી દેખાતી.
એનપીપી, ભાજપ, યુડીપી અને એચએસપીડીપીના વિધાનસભ્યો સંગમાના નેતૃત્વ હેઠળ રવિવારે રાજ્યપાલને મળ્યા હતા.
અગાઉ, કૉંગ્રેસે પોતાના પક્ષના વિધાનસભ્યોના જૂથના નેતા તરીકે મુકુલ સંગમાની નિમણૂકની જાણ કરતો પત્ર રાજ્યપાલને સુપરત કર્યો હતો.
ભાજપના નેતા કિરણ રિજિજુ યુડીપીના પ્રમુખ ડોનકુપર રોયને તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને મેઘાલયમાં બિનકૉંગ્રેસી સરકાર રચવા અંગે ચર્ચા કરી હતી.