ત્રિપુરામાં ડાબેરીઓની સરકાર ઉથલાવવાની સાથે સાથે ભાજપ નાગાલેન્ડ અને મેઘાલયમાં પણ શાસક પક્ષનો હિસ્સો બનવાનો છે.
આ સાથે જ ભાજપ દેશના કુલ ૩૧ રાજ્યમાંથી ૨૧ રાજ્યમાં સત્તા પર છે કે પછી સત્તામાં ભાગીદાર બની ગયો છે. આ બાબત રાષ્ટ્રીય રાજકારણ પર ભાજપનું અભૂતપૂર્વ વર્ચસ્વ દર્શાવે છે.
વધુ મહત્વની વાત તો એ છે કે મુખ્ય વિપક્ષ ગણાતો કોંગ્રેસ પક્ષ દેશના માત્ર ચાર જ રાજ્ય (જેમાં મિઝોરમ અને પુડુચેરીનો પણ સમાવેશ થાય છે)માં સત્તા ધરાવે છે. પ્રથમ જ વખત કોંગ્રેસ પક્ષ આટલા ઓછા રાજ્યમાં સત્તા પર હોય તેવું બન્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહે શનિવારે કોંગ્રેસશાસિત કર્ણાટકને પોતાનું આગામી લક્ષ્ય બનાવ્યું હતું. કોંગ્રેસશાસિત કર્ણાટક લોકસભામાં ૨૦ કે તેથી વધુ સાંસદ મોકલે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે એપ્રિલ-મેમાં કર્ણાટકમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ ત્યાં સત્તા પર નહીં હોય.
મોદી અને અમિત શાહના નેતૃત્ત્વ હેઠળ ભાજપે છેલ્લા ચાર વર્ષમાં અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે.
વર્ષ ૨૦૧૪માં સત્તા પર આવનાર ભાજપ તે સમયે દેશના માત્ર સાત જ રાજ્યમાં સત્તા ધરાવતો હતો જે સંખ્યા હવે વધીને ૨૧ પર પહોંચી છે.
ત્રિપુરામાં ધારાસભ્યો શપથગ્રહણ કરશે ત્યાર બાદ દેશના ૧૭ રાજ્યમાં ભાજપના મુખ્ય પ્રધાન હશે.
ભાજપ જે રાજ્યમાં એકલા હાથે સત્તા પર છે કે પછી સાથીપક્ષ સાથે સત્તાની ભાગીદારીમાં છે તેવા રાજ્યોમાં જમ્મુ-કાશ્મીર, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, બિહાર, ગોવા અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોનો સમાવેશ થાય છે.
લોકસભાની ચૂંટણીને આડે માત્ર એકાદ વરસ જેટલો જ સમય બચ્યો હોવા વચ્ચે ઇશાનના ત્રણ રાજ્યમાં ભાજપે કરેલા દેખાવને મહત્ત્વનો લેખાવવામાં આવી રહ્યો છે.
અમીત શાહે પણ આ ત્રણ રાજ્યના ચૂંટણી પરિણામોને કર્ણાટક વિધાનસભાની ચૂંટણી તેમ જ લોકસભાની ચૂંટણીના પરિણામના સંકેતસમાન લેખાવ્યા છે.