ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૧૫૦ પ્લસ બેઠકો મેળવવાનો ટાર્ગેટ નક્કી કર્યો હતો. પણ ભાજપને માત્ર ૯૯ બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો છે. ભાજપને મળેલી ઓછી બેઠકોમાં સંઘની નિષ્ક્રિયતા પણ જવાબદાર હતી. આથી ભાજપ હવે ફરીવાર સંઘના શરણે ગયું છે. અમદાવાદમાં પૂર્વના વિરાટનગર વિસ્તારમાં આરએસએસ (સંઘ) દ્વારા પથસંચલનનો મેગા કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ પૂર્વોત્તર ભારતના ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપને સંઘને કારણે જ જીત મળી છે. ભાજપને મળેલી આ સફળતા પાછળ ગુજરાતની સંઘ શક્તિ પણ લાગેલી હતી. હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પશ્ર્ચિમનાં રાજ્યોમાં પણ ફરીથી સંઘ શક્તિને મજબૂત બનાવવા માટેના પ્રયાસો શરૂ થયા છે. જેના ભાગરૂપે અમદાવાદના વિરાટનગરમાં સંઘ દ્વારા પથસંચલનનો એક મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ ઉપરાંત સંઘ સાથે જોડાયેલાં વિવિધ સંગઠનોના આગેવાનોને કાર્યકરો જોડાયા હતા. છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતમાં સંઘ કરતાં વધુ ભાજપનું વર્ચસ્વ દેખાડવામાં આવી રહ્યું હતું. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની બેઠકો ઘટતા ફરી એકવાર ભાજપ સંઘને શરણે પહોંચવા લાગ્યું છે. તેમાં પણ તાજેતરનાં ત્રણ રાજ્યોનાં પરિણામો જોતા સંઘ શક્તિની મજબૂતાઈ ભાજપે પણ પારખી લીધી છે, ત્યારે ગુજરાતમાં સંઘ શક્તિને મજબૂત કરવા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ પથ સંચલનમાં ભાજપના શહેર પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ સહિત ભાજપના નેતાઓ જોડાયા હતા.