ઉનાળાના પ્રારંભે સૌરાષ્ટ્રભરમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. જેમાં આઠ જિલ્લાના ૫૫ તાલુકામાં તો ત્રણ-ચાર દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે. પાણીના સપ્લાયમાં પણ કાપ મૂકી દેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં ઉનાળાના પ્રારંભે જ જળસંકટના ડોકિયાં શરૂ થયા છે અને પાણીની તીવ્ર તંગી વર્તાવા લાગી છે પાણીના વ્યવસ્થાપન અંગે સરકાર ગંભીર ન હોવાથી આ વખતે ઉનાળો આકરો બનવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.
સૌરાષ્ટ્રના ૮ જિલ્લાના કુલ ૫૫ તાલુકા મથકોમાં પાણી પ્રશ્ર્ને ઉનાળામાં કપરી પરિસ્થિતિની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક ડેમો, તળાવોના પાણી ઉનાળો પસાર કરાવી દેવા સક્ષમ નથી.
બોર, કૂવા, દારમાં પાણીની આવક ઓછી થવા લાગી છે. નર્મદાના નીર ઉપર પણ સંપૂર્ણ દારોમદાર રાખી શકાય તેમ નથી કારણ કે આવક અનિયમિત છે.
હાલની સ્થિતિએ સૌરાષ્ટ્રના ૫૫ શહેરો પૈકી ૧૦ ટકા શહેરોને ૫ થી ૬ દિવસે, ૧૮ ટકા શહેરોને ૪ દિવસે, ૧૬ ટકા શહેરોને ૩ દિવસે, ૩૮ ટકા શહેરોને એકાંતરા પાણી મળે છે.
માત્ર ૧૮ ટકા જ શહેરોમાં રોજ પાણી વિતરણ થાય છે. જાણકારોના માનવા મુજબ સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં પાણીની તંગીની પાછળ પાણીની અછતની સાથે ખામીયુકત વિતરણ વ્યવસ્થા પણ જવાબદાર છે. રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકા મથકો પૈકી માત્ર રાજકોટ અને પડધરીમાં જ રોજ પાણી વિતરણ થાય છે અહીં સ્થાનિક સ્રોેતો ઉપરાંત નર્મદા નીરનો સારો એવો ટેકો છે.
જ્યારે લોધિકામાં ૪ થી ૫ દિવસે વિતરણ થાય છે. કેમ કે સ્થાનિકે પાણી નથી માત્ર નર્મદા નીર ઉપર મદાર રાખવો પડે છે.
રાજકોટ જિલ્લામાં પાણીની તંગી જોવા મળે છે ઉનાળાના દિવસોમાં જળસંકટ વધુ ઘેરું બને એવા એંધાણ વર્તાઈ રહ્યાં છે હાલમાં ધોરાજી, ગોંડલ, વિંછીયામાં ૪ દિવસે પાણી મળે છે. જ્યારે જસદણ, જેતપુર, કોટડા સાંગાણી અને ઉપલેટામાં ૩ દિવસે અને આલણસાગર ડેમ, ભાદર-૨ ડેમ,ગોંડલી તથા વાછપડી ડેમ,પાતાળ કૂવા અને મોજ તથા વેણું ડેમમાંથી પાણી મળે છે. જામકંડોરણામાં એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે છે.
ગીર સોમનાથ જિલ્લામાં હાલમાં વેરાવળ અને ગીર ગઢડામાં પાણીની કારમી તંગી અનુભવાઈ રહી છે. જૂનાગઢ જિલ્લામાં પણ જળસંકટ ઘેરું બનાવવા એંધાણ વર્તાઈ રહ્યાં છે જિલ્લાના મોટાભાગના શહેરોમાં પાણીની સ્થિતિ સારી નથી જેમાં ભેસાણ અને કેશોદની સ્થિતિ વધુ ખરાબ છે જ્યાં પાંચ દિવસે એક વાર પાણી અપાય છે જ્યારે માણાવદર અને માંગરોળમાં ચાર દિવસે પાણી વિતરણ થાય છે.
મોરબી જિલ્લામાં પણ પાણીની પરિસ્થિતિ સારી નથી મોરબી અને હળવદ સિવાયના શહેરોમાં જળસંકટ જોવા મળે છે મોરબી જિલ્લામાં પાંચ તાલુકા મથકો પૈકી મોરબી તથા હળવદમાં રોજ પાણી વિતરણ થાય છે.
મોરબીને મચ્છુ-૨ ડેમમાંથી અને હળવદને નર્મદાના નીર મળે છે, જ્યારે ટંકારામાં ૪થી ૫ દિવસે પોણી કલાક પાણી મળે છે. જામનગર જિલ્લાના છ તાલુકા પૈકી ધ્રોલ તથા જોડિયામાં ૪ દિવસે ૪૫ મિનિટ પાણી વિતરણ થાય છે.