ચ્છના સુપ્રસિદ્ધ તીર્થધામ આશાપુરા માતાજીના મંદિરે તા. ૧૭મીએ ઘટસ્થાપન બાદ તા. ૧૮મી માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભુજથી ૧૦૦ કિ.મી. અંતરે આવેલું ૧૯મી સદીનું ભવ્ય તીર્થધામ માતાના મઢમાં આશાપુરા માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે. જ્યાં પ્રતિવર્ષની જેમ આસો નવરાત્રી તેમ જ ચૈત્રી નવરાત્રી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આદ્યાશકિત આશાપુરાની આરાધનાનું પર્વ નવરાત્રી છે. ચૈત્રી નવરાત્રી શક્તિ ઉપાસનાનું મહાન પર્વ ગણાય છે. શકિત વિના જીવનમાં આગળ વધવું મુશ્કેલ છે. તમામ શકિતને દેવીશકિત માનવામાં આવામાં આવે છે. પ્રાચીનકાળથી શકિત પૂજા ભારતમાં કરવામાં આવે છે. શકિત સંહાર અને કલ્યાણકારી છે. શિવ પત્ની પાર્વતી પણ શકિત અવતાર ગણાય છે. માતાના મઢમાં આશાપુરાનું ભવ્ય મંદિર છે ત્યાં ચૈત્રી નવરાત્રી તા. ૧૮ને રવિવારે પ્રારંભ થશે. તા. ૧૭ને શનિવારે રાત્રે ૯ કલાકે ઘટસ્થાપન તા. ર૪ને શનિવારે હોમાદિક ક્રિયા રાત્રે ૯ કલાકે શરૂ થશે. અધ્યક્ષસ્થાને રાજાબાવા યોગેન્દ્રસિંહજી પૂજાવિધિ કરશે. ગૌરમહારાજ દેવપ્રસાદ મૂળશંકર જોષી સમગ્ર હવનની વિધિ કરાવશે. આ સમયે રાજવી પરિવાર, માઈભકતો, આમંત્રિત મહેમાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હવનમાં આહુતિ આપશે. તેમ જ માતાજીની સ્તુતિ, શ્ર્લોક, મંત્રો દ્વારા હવનમાં વિવિધ ફળો તથા ફૂલો દ્વારા વિધિવત આહુતિ ચડાવાશે. રાત્રીના ૧-૧પ કલાકે રાજાબાવા યોગેન્દ્રસિંહજી હવનમાં બીડુ હોમશે. મા આશાપુરાના જયઘોષ સાથે મા આશાપુરાની જય બોલે રે માવડી મઢવાળીના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભકિતમય બની જાય છે. ચૈત્રી નવરાત્રી સમયે સમગ્ર કચ્છમાં કચ્છી માડુ કઠોર પરિશ્રમ કરી પગપાળા સૌરાષ્ટ્ર-કચ્છના માઈભકતો મા આશાપુરાના દર્શન કરવા જાય છે. કચ્છ-ધણીયાળી મા આશાપુરા ઉપર અપાર શ્રદ્ધા અને વિશ્ર્વાસથી સેવાચાકરી કરતા કચ્છી માડુ પદયાત્રીઓને વિનામૂલ્યે વિના સંકોચ ભોજન, ચા, દૂધ, દવા વગેરે જરૂરી ચીજવસ્તુઓની સેવા આપે છે. સેવા એ જ ધર્મના ઉદ્દેશને ધ્યાને લઈ પદયાત્રી જાણે મા આશાપુરા જાગતી દેવી સ્વરૂપે સાથે છે તેવો અહેસાસ અનુભવે છે. ચૈત્રી નવરાત્રીમાં નવદુર્ગા દેવીઓની પૂજા નવરાત્રીના પ્રથમ દિવસે શૈલપુત્રી પૂજા, બીજા દિવસે બ્રહ્મચારિણી પૂજા, ત્રીજા દિવસે ચંદ્રઘંટા પૂજા, ચોથા દિવસે કૃષ્માંડા પૂજા, પાચમાં દિવસે સ્કંદમાતા પૂજા, છઠ્ઠા દિવસે કાત્યાયની પૂજા, સાતમા દિવસે કાલરાત્રી પૂજા, આઠમા દિવસે મહાગૌરી પૂજા, નવમા દિવસે સિદ્ધિદાત્રી પૂજા, આમ ચૈત્રી નવરાત્રીના નવ નોરતામાં માતાજીની આરાધના તેમ જ અનુષ્ઠાન કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. માતાના મઢ ખાતે ભવ્ય હિંગળાજ માતાજીનું મંદિર તેમ જ નિજ મંદિરમાં હનુમાનજી, ગણેશજી, શિવજી તેમજ ક્ષેત્રપાળ દાદાના મંદિરો છે. માતાના મઢ મંદિરમાં શ્રીફળ વધેરવાની મનાઈ છે. માતાના મઢ જતા તમામ પદયાત્રીઓને રાહત કેમ્પોમાં વિનામૂલ્યે જમવાનું, રહેવાનું, મેડિકલ સારવાર નાતજાતના ભેદભાવ વગર પૂરી પાડવામાં આવે છે.