પૅરિસ ક્લાઈમેટ ઍગ્રીમેન્ટને આપેલો ટેકો પાછો ખેંચી લેવા બદલ અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ પર પ્રહાર કરતા ફ્રાન્સના પ્રમુખ ઍમ્માન્યુઅલ મૅક્રોને ઈન્ટરનેશનલ સોલાર અલાયન્સ (આઈએસએ)ને વાસ્તવિક સ્વરૂપ આપવા બદલ અન્ય દેશો સાથે સાથે ભારતના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા.
જોકે દિલ્હીમાં યોજાયેલી આઈએસએ પરિષદમાં મૅક્રોને ટ્રમ્પના નામનો સીધો ઉલ્લેખ નહોતો કર્યો.
મહિલાઓના સોલાર એન્જિનિયર જૂથ ‘સોલાર મૅમ્સ’ને વધાવી લેતા મૅક્રોને પૅરિસ ક્લાઈમેટ ઍગ્રીમેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય લેનાર દેશનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પરિષદને સંબોધન કરતા મૅક્રોને કહ્યું હતું કે ‘મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર’ તમે એક સપનું જોયું અને અમે તે પૂરું કર્યું. એ સપનું આઈએસએ માટેનું હતું. બે વર્ષ અગાઉ આ માત્ર એક વિચાર હતો અને આપણે સાથે મળીને એ દિશામાં ઝડપથી કામ કરવાનો નિર્ણય લીધો હતો. આજે આપણે મોટું પરિવર્તન જોઈ રહ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.
સૉલાર મૅમ્સના પ્રયાસોને બિરદાવતા તેમણે કહ્યું હતું કે સોલાર મૅમ્સ આપણી રાહ જોવા ઊભી નહોતી રહી. તેમણે કામ કરવાનું આરંભી દઈ પરિણામ આપવાનું શરૂ કરી દીધું હતું.
અમેરિકાએ પૅરિસ ક્લાઈમેટ ઍગ્રીમેન્ટને આપેલો ટેકો પાછો ખેંચી લેવાનો નિર્ણય લીધો હોવા છતાં આ મહિલાઓ રાહ જોવા ઊભી નહોતી રહી કે નહોતી અટકી ગઈ કેમ કે તેમણે જોયું કે આ કરાર તેમનાં બાળકો અને ભાવિ પેઢીઓ માટે સારા છે અને તેથી જ તેમણે એ દિશામાં કામ કરવાનું આરંભી દીધું હતું.
ગ્લૉબલ વૉર્મિંગને બે ડિગ્રી સુધી મર્યાદિત કરવા તેમ જ ગ્રીનહાઉસ ગૅસ ઍમિસન પર અંકુશ આણવા ડિસેમ્બર ૨૦૧૫માં વિશ્ર્વના અંદાજે ૨૦૦ દેશે આ કરાર પર સહી કરી હતી. ગયા નવેમ્બરમાં સિરિયાએ પણ કરાર પર સહી કરી દેતાં આ કરારને આપેલો ટેકો પાછો ખેંચી લેનાર અમેરિકા વિશ્ર્વનો એકમાત્ર દેશ રહ્યો છે.
મૅક્રોને કહ્યું હતું કે આઈએસએમાં વિશ્ર્વની ત્રણચતુર્થાંસ વસતી પ્રતિનિધિત્વ કરી રહી છે.
વિશ્ર્વના ૨૦ થી ૫૦ ટકા લોકો હજુ પણ વીજળીથી વંચિત છે.