ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. ૧૨મી માર્ચથી ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થશે જેમાં ૧૭ લાખથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડ દ્વારા રવિવારે પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. તમામ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૪૪મી કલમ જાહેર કરવામાં આવી છે. પરીક્ષાની કામગીરી માટે ૪૫ હજારથી વધુ કર્મચારીઓને જોતરવામાં આવશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓનું કુમકુમનું તિલક કરીને મોઢું મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ધો.૧૦-૧૨ના પરીક્ષીર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનાં સૂત્રોએ જણાવ્યું હતું કે તમામ જિલ્લા મથકોએ ક્ધટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. દિવ્યાંગ પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રોના ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અમદાવાદ સહિત મહાનગરોનાં પરીક્ષા કેન્દ્રો પર બેઠક નંબરો જોવા માટે વાલીઓ સાથે પરીક્ષાર્થીઓ ઉમટી પડ્યા હતા. પરીક્ષાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે બોર્ડ દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરા અને ટેબલેટથી સજ્જ કરવામાં આવ્યા છે. બોર્ડના ઓળખપત્ર સિવાય કોઈનેય પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ ન આપવાની પણ સ્થળ સંચાલકોને સૂચના આપવામાં આવી છે. તમામ કેન્દ્રો પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પરીક્ષાર્થીઓને કોઈ પણ ડર વિના શાંતિથી પરીક્ષા આપવા માટે અપીલ કરવામાં આવી છે.