ગોરખપુર અને ફૂલપુર બેઠક પર લોકસભાની પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને સમર્થન આપી મોટા અંતરે જીત અપાવનારા બીએસપી સુપ્રીમો માયાવતીએ હવે અખિલેશ પાસેથી રિટર્ન ગિફ્ટ સુનિશ્ચિત કરવા કહ્યું છે. રાજ્યસભાની ચૂંટણી માટે માયાવતીએ અખિલેશ યાદવને પોતાના ઉમેદવાર ભીમરાવ આંબેડકરના સમર્થન માટે 10 સમર્પિત ધારાસભ્યોની જોગવાઈ કરવા જણાવ્યું છે.
માયાવતીએ અખિલેશ યાદવને સમર્પિત સમાજવાદી ધારાસભ્યોને એકત્ર કરવાની વાત એટલા માટે કરી છે કારણ કે તેમના 10 વોટ પાક્કા થઈ શકે અને ક્રોસ વોટિંગથી બચી શકાય.
અખિલેશ માટે સ્થિતિ સંકટ ભરી છે. કારણ કે જો અખિલેશ યાદવ આમ માયાવતીના જણાવ્યા અનુંસાર તેમના 10 ધારાસભ્યો માયાવતી માટે સુનિશ્ચિત કરે તો 23 માર્ચે ઉમેદવાર જયા બચ્ચનને જીત અપાવવા સામે પડકાર ઉભો થઈ શકે છે. સમાજવાદી પાર્ટી પાસે કુલ 47 ધારાસભ્યો છે, એક રાજ્યસભાની બેઠક માટે 37 વોટની જરૂર છે. જો સમાજવાદી પાર્ટી તરફથી 10 ધારાસભ્યોના વોટ બીએસપીને આપવામાં આવે તો પોતાની જ ઉમેદવાર જયા બચ્ચન વિરૂદ્ધ ક્રોસ વોટિંગનો ભય ઉભો થઈ શકે છે. કારણ કે આ 37 ધારાસભ્યોમાં સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં શામેલ થયેલા નરેશ અગ્રવાલના પુત્ર નિતિન અગ્રવાલનો પણ સમાવેશ થાય છે.
માયાવતીના નજીકના સૂત્રોના જણાવ્યું છે કે, તેમણે અખિલેશ યાદવને કહ્યું છે કે, તે બસપાના ઉમેદવારને વોટ કરવા માટે સમાજવાદી પાર્ટીના એવા ધારાસભ્યોની ફાળવણી કરે, જે ભાજપના પક્ષમાં ક્રોસ વોટિંગ ન કરી શકે. ગોરખપુર અને ફુલપુરમાં એસપીના ઉમેદવારને જીત અપાવ્યા બાદ માયાવતીએ આ માંગણી કરી છે. આમ ઉત્તર પ્રદેશમાં કુલ 10 બેઠકોમાંથી એક બેઠક પરનો જંગ ભારે રસપ્રદ બન્યો છે. રાજ્યમાં 8 બેઠકો પર પોતાની જીત સુનિશ્ચિત કરી ચુકેલી બીજેપીએ નવમી બેઠક પર પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારી તમામ પાર્ટીઓના સમીકરણ ચકનાચૂર કરી દીધા છે.