ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સ્પષ્ટતા કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2019ની સામાન્ય ચૂંટણીમાં વારાણસી પરથી ચૂંટણી લડશે. આ સંદર્ભમાં પૂછવામાં આવેલા પ્રશ્ન પર શાહે કહ્યું હતું કે તેઓ બીજે કયાંયથી ચૂંટણી લડે તેનો પ્રશ્ન જ નથી. સપા-બસપા ગઠબંધનના પ્રશ્ન પર શાહ એ કહ્યું કે યુપીને ઓળખું છું. અહીં કંઇ જ થવાનું નથી. ભાજપ ફરી પ્રચંડ બહુમતીથી જીતશે.
એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં અમિત શાહે કહ્યું કે અમે લોકસભામાં 73 અને પછી વિધાનસભામાં 325 સીટો યુપીમાં જીત્યા ત્યારે લોકો કહી રહ્યાં હતા કે આવું થઇ શકે નહીં. અમે 2019માં પણ પ્રચંડ બહુમતી મેળવીશું. શાહને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી સીટો કેટલી હશે તો જવાબ આપ્યો કે હું જ્યોતિષ નથી. આ 70 પણ હોઇ શકે અને 80 પણ.
તેમણે કહ્યું કે પેટાચૂંટણી યોગી સરકારની વિરૂદ્ધ જનાદેશ નથીં. તેઓ ખૂબ જ લોકપ્રિય મુખ્યમંત્રી છે. અમે યુપીમાં 50 ટકા વોટ પ્રાપ્ત કરવાનું જાણીએ છીએ. કૉંગ્રેસ હાલ જે ચૂંટણીઓથી ખુશ છે, ત્યાં તેમની સ્થિતિ શું છે? ફૂલપુર અને ગોરખપુરમાં તેમની જમાનત જપ્ત થઇ ગઇ. 2014મા દેશના લોકો નક્કી કરી ચૂકયા છે કે કોણ ‘પાંડવ’ છે.