વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના નેશનલ હેલ્થ પ્રોટેકશન સ્કીમ એટલે કે આયુષ્માન ભારતને બુધવારની સાંજે કેન્દ્રીય કેબિનેટે બહાલી આપી છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ સામાન્ય બજેટની રજૂઆત વખતે આ યોજનાની જાહેરાત કરી હતી. તેને મોદી કેર પણ કહેવાય છે.
કેન્દ્રીય કેબિનેટે નેશનલ હેલ્થ મિશન જારી રાખવાની મંજૂરી આપી છે. યોજના 31 માર્ચ 2020 સુધી ચાલશે અને કેન્દ્ર સરકાર તેના માટે રૂ. 85,217 કરોડનો ખર્ચ કરશે. કેબિનેટની બેઠકમાં સરોગસી (રેગ્યુલેશન) બિલને પણ મંજૂરી આપવામાં આવી છે. સરોગરીને નિયંત્રિત કરવા માટે આ બિલ તૈયાર કરાયું છે. આયુષ્માન ભારત પર દેખરેખ રાખવા માટે એક ઓથોરિટીની રચના કરવાનો પણ પ્રસ્તાવ છે. યોજના માટે કેન્દ્ર સરકાર 60 ટકા અને રાજ્ય સરકાર 40 ખર્ચ ઉપાડશે.
આયુષ્માન ભારત યોજના હેઠળ પ્રત્યેક પરિવારને રૂ. પાંચ લાખનો આરોગ્ય વીમા આપવામાં આવશે. તેમાં વળી પરિવારના સભ્યોની સંખ્યા નિર્ધારિત કરાઈ નથી. કયા પરિવારને યોજનાનો લાભ મળશે તેનો નિર્ણય આર્થિક આધારે કરાશે. યોજનામાં આવરી લેવાયેલા પરિવારોને સરકારી તેમજ પસંદગીની ખાનગી હોસ્પિટલોમાં સારવારનો લાભ મળશે. સમગ્ર દેશમાં ગમે ત્યાં પરિવારના સભ્યો સારવાર કરાવી શકશે.
ગંભીર બીમાર પડતા અથવા ગંભીર થવાની સ્થિતિમાં સામાન્ય લોકોને રૂ. પાંચ લાખના વીમાનો લાભ મળશે, પરંતુ આરોગ્ય કેન્દ્રોનો લાભ નાની અથવા મોટી એમ કોઈ પણ પ્રકારની બીમારીમાં તુરત લાભ મળશે.