રાજકોટમાંથી ધારાસભ્ય બની મુખ્યમંત્રી બનીને ભારતના વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી રાજકોટની પ્રથમ મુલાકાતે આવ્યા. પ કલાકની આ તેમની મુલાકાત દરમ્યાન જે પ્રચંડ જન સમર્થન મળ્યું તે કાબિલેદાદ હતું. મોદીના રોડ શો પહેલા જ મેઘરાજાએ રેઇન શો કર્યો હોવા છતાં શહેરીજનોના તેમના પ્રત્યેના પ્રેમમાં જરાપણ ઓટ આવી નહીં. વરસતા વરસાદમાં પણ રાજકોટમાં વસવાટ કરતા ૮૪ જેટલા સમાજના હજારો લોકોએ તેમનું અભિવાદન કર્યું. રાજકોટ સાથે મોદીનો નાતો વિશિષ્ટ છે. રાજકોટમાંથી ચૂંટાઇને ધારાસભ્ય બનીને મુખ્યમંત્રી બન્યા અને વડાપ્રધાન બની વૈશ્ર્વિક પ્રસંશા પ્રાપ્ત કરી.
રાજકોટની પાણી સમસ્યા વિશે તેમણે અગાઉથી જ ઘણુ વિચારી રાખ્યું હતું. મુખ્યમંત્રી બન્યા બાદ પેટા ચૂંટણી લડયા હતા. આ સમયે આ લખનાર અંબિકા પાર્કમાં રહેતા હતા. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન અમારા અંબિકા પાર્કમાં સભા લેવા આવ્યા હતા ત્યારે અંબિકા પાર્ક વતી અમે તેમને પાણીની સમસ્યાના પ્રતિક રૂપે ઘડો આપ્યો હતો. આ સમયે તેઓએ રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા નહી રહે તેવું વચન આપ્યું હતું. સૌની યોજના દ્વારા તેમણે બોલેલુ પાળ્યું છે. નર્મદા યોજના ઉપરાંત પણ અન્ય યોજનાની જરૂરીયાત અંગે તેમણે ઘણુ વિચાર્યું. સૌની યોજનાનો જન્મ થયો. યોજના પ્રત્યે અનેકને શંકાકુશંકા હોવા છતાં દૃઢ મનોબળ સાથે મુખ્યમંત્રી તરીકે ર૦૧રમાં જાહેર કરેલ ત્રણ તબકકાની ૧૦,૦૦૦ કરોડની સૌની યોજનાનો શુભારંભ પણ તેમના હસ્તે થયો અને ત્રણ પ્રથમ તબકકાની કામગીરી પુરી કર્યા બાદ વડાપ્રધાન તરીકે નર્મદાનું સૌરાષ્ટ્રમાં અવતરણ પણ કરાવ્યું અને નેવાના પાણી મોભે ચડાવ્યા.
સૌની યોજના અંતર્ગત ૧૧૨૬ કિ.મી. પાઇન લાઇન દ્વારા લાખો એકર જમીનને પાણી મળશે નરેન્દ્ર મોદીએ કહયું. નર્મદાની આ સિદ્ધિ સૌરાષ્ટ્રમાં સમૃદ્ધિ લાવશે.
સૌની યોજના અંતર્ગત ૧૧૫ ડેમોમાં પાણી આવવાની વાતમાં રાજકોટના આજી ડેમનો સમાવેશ ન હતો. પરંતુ નરેન્દ્ર મોદી જયાંથી ચૂંટાઇને મુખ્યમંત્રી બન્યા હતા તે જ રાજકોટ-રની સીટ પર પેટા ચૂંટણી જીતી મુખ્યમંત્રી બનેલા શ્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી બનીને તરત જ રાજકોટની પાણી સમસ્યા ભૂતકાળ બની જશે. તેવું વચન આપ્યું. નર્મદાનું પાણી રાજકોટ લાવ્યા અને બોલેલુ પાળી બતાવ્યું જેનો પણ રાજકોટવાસીઓને વિશેષ આનંદ હતો તેથીજ આજીના નીરના વધામણામાં હજારો લોકો ઉમટયા. રાજકોટમાં પણ વગર દિવાળીએ દિવાળીનો માહોલ સર્જાયો.
રાજકોટની મોદીજીની મુલાકાતે ત્રણ ત્રણ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયા. આજી નદીના નીરના વધામણા પહેલા ૧૮ હજાર દિવ્યાંગોને સાધનો આપ્યા અને છેલ્લે રાજકોટમાં ઐતિહાસિક રોડ શો પણ કર્યો. મુખ્યમંત્રી તરીકે રાજકોટમાં રોડ શો બાદ વડાપ્રધાન તરીકેના પ્રથમ રોડ શો સાથેની નરેન્દ્ર મોદીજીની રાજકોટની પ્રથમ મુલાકાત રાજકોટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધવા લાયક બની.