ગુજરાતમાં ઉનાળો વધુ આકરો બનતો જાય છે. રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને વટાવી ગયો હતો. સૌથી વધુ તાપમાન પોરબંદરમાં ૪૨.૫ અને સુરતમાં ૪૧.૮ ડિગ્રી નોંધાયું હતું. દરિયાકાંઠા વિસ્તારના શહેરોમાં સામાન્ય કરતા ઊંચું તાપમાન નોંધાયું હતું. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યભરમાં બે દિવસ અસહ્ય ગરમીનું મોજું ફરી વળશે, જેમાં આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, કચ્છ અને રાજકોટ જિલ્લામાં મંગળવારે તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. આ ઉપરાંત દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં પણ અસહ્ય ગરમીનું મોજું ફરી વળશે. આ ઉપરાંત બુધવારે પણ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. સુરેન્દ્રનગરના લક્ષ્મીપુરામાં રહેતી મહિલા નૂરજહાંબેનનું લૂ લાગવાથી મોત નિપજ્યું હતું.
રાજ્યમાં ચૈત્ર મહિનાના પ્રથમ સપ્તાહ બાદ ગરમીમાં ક્રમશ: વધારો થઈ રહ્યો છે. સોમવારે સૌથી વધુ તાપમાન પોરબંદરમાં ૪૨.૫ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સુરતમાં ૪૧.૮, સુરેન્દ્રનગરમાં ૪૧.૩, ભુજમાં ૪૧.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ ઉપરાંત અમદાવાદમાં ૩૯.૯ ડિગ્રી, ડીસા ૪૦.૨, ગાંધીનગર ૪૦, વડોદરા ૪૦.૪, અમરેલી ૪૦.૪, ભાવનગર ૩૯.૮, રાજકોટ ૪૦.૪, વેરાવળમાં ૪૦.૪ ડિગ્રી, નલિયામાં ૪૦.૫ અને કંડલામાં ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેમ જ લઘુતમ તાપમાનમાં પણ એકથી બે ડિગ્રીનો વધારો થતા રાત્રે પણ પંખા અને એસીનો સહારો લેવો પડી રહ્યો છે.