મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ગુણોત્સવની ૮મી શૃંખલાનો રાજ્યવ્યાપી પ્રારંભ ૬ એપ્રિલ શુક્રવારે પંચમહાલના ગોવિંદી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ અભ્યાસનું મૂલ્યાંકન કરીને કરાવશે. જ્યારે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વડોદરા જિલ્લામાં આ શૃંખલાનો આરંભ કરાવવાના છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં ઉત્તરોત્તર સુધારાના સફળ પરિણામકારી ગુણોત્સવની આ ૮મી કડી અંતર્ગત ૬ અને ૭ એપ્રિલ ના બે દિવસ માટે રાજ્યની ૩૪ હજાર જેટલી પ્રાથમિક શાળાઓના ૫૪ લાખથી વધુ બાળકોના શિક્ષણની ગુણવત્તા સુધારણાનો સેવાયજ્ઞ રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ સહિત ૩ હજાર ઉપરાંત અધિકારીઓ પદાધિકારીઓ શાળાઓની પ્રત્યક્ષ મુલાકાત નિરીક્ષણ કરીને આદરશે. આ વર્ષના ગુણોત્સવમાં ગામોની મુલાકાત લેનારા પ્રધાનો-પદાધિકારીઓ તેમ જ અધિકારીઓ ગામના અગ્રણીઓ તેમ જ એસ.એમ.સી સાથે બેઠક યોજીને પાણી, ગ્રામીણ રસ્તા, આરોગ્ય સેવાઓ જેવી માળખાકીય સવલતોની પણ વિગતો મેળવશે.