બ્રિટિશરો જે દેશો પર રાજ કરી ગયા છે એ ૭૨ દેશો વચ્ચે ઑસ્ટ્રેલિયામાં ચોથી એપ્રિલે ભવ્ય ઓપનિંગ સેરેમની સાથે શરૂ થયેલી ૨૧મી કૉમનવેલ્થ ગેમ્સમાં સોમવારે કુલ છઠ્ઠો અને સ્પર્ધાનો પાંચમો દિવસ હતો. ભારત માટે સોમવારનો દિવસ ‘સુવર્ણ’ સાબિત થયો હતો, કારણકે એ દિવસે ભારત કુુલ છ ચંદ્રક જીત્યું હતું જેમાં ત્રણ ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રૉન્ઝ મેડલનો સમાવેશ હતો. મેડલ-ટેબલમાં ભારતના કુલ ૧૦ ગોલ્ડ સહિતના ચંદ્રકોનો સરવાળો ૧૯ થયો છે અને આ યાદીમાં ભારત હવે ત્રીજા નંબર પર આવી ગયું છે. ઑસ્ટ્રેલિયા ૩૯ ગોલ્ડ સહિતના ૧૦૬ ચંદ્રકો સાથે પહેલા સ્થાને અને ઇંગ્લૅન્ડ બાવીસ ગોલ્ડ સહિતના ૬૩ ચંદ્રકો સાથે બીજા નંબરે છે. સોમવારે ભારતને શૂટિંગના જગવિખ્યાત શૂટર અને હંમેશાં જેના પર ચંદ્રક જીતવાનો ભરોસો મૂકી શકાય એ જિતુ રાયે ૧૦ મીટર ઍર પિસ્તોલની ઇવેન્ટમાં કૉમનવેલ્થ ગેમ્સના નવા વિક્રમ સાથે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. મહિલા શૂટરોમાં મેહુલી ઘોષ ૧૦ મીટર ઍર રાઇફલમાં સિલ્વર મેડલ જીતી હતી, જ્યારે ગયા વખતની ચૅમ્પિયન અપૂર્વી ચંદેલા ઍર રાઇફલમાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી.
બૅડ્મિન્ટનની ટીમ-ઇવેન્ટમાં ભારતે ત્રણ વખતથી ચૅમ્પિયન બની રહેલા મલેશિયાને આંચકો આપીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.
દરમિયાન, વેઇટલિફ્ટિંગમાં ભારત માટે સોમવારનો દિવસ ફરી ફળદાયી નીવડ્યો હતો. ૧૦૫ કિલો વર્ગમાં પરદીપ સિંહે સિલ્વર મેડલ જીતી લેતાં આ રમતમાં ભારતના ખાતે કુલ પાંચ ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રૉન્ઝ મેડલ નોંધાયા છે.