રાજ્યમાં અન્ય શહેરોના લોકો પણ ડ્રાઇવિંગ લાઈસન્સ સંલગ્ન આરટીઓ કચેરીની એનઓસી વિના જ રિન્યુ કરાવી શકશે સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રાઈવિંગ લાયસન્સ ઈશ્યૂ કરનાર આરટીઓ સિવાય અન્ય આરટીઓમાં એડ્રેસ બદલવા, ડુપ્લિકેટ લાઇસન્સ કઢાવવા તેમજ લાઇસન્સ રિન્યૂ કરવા અરજી કરવામાં હવે એનઓસીની જરૂર નહિ પડે, કારણ કે પહેલાં એક શહેરમાંથી લાઇસન્સ કઢાવ્યા બાદ બીજા શહેરમાં જવાની સ્થિતિમાં જે શહેરનું લાઇસન્સ હોય તે આરટીઓમાંથી એનઓસી લાવ્યા વગર કોઈ પણ ફેરબદલ થતી ન હતી ત્યારે વાહનવ્યવહાર વિભાગ દ્વારા રાજ્યના તમામ આરટીઓમાં એનઓસીની પ્રથા ગુરુવારથી બંધ કરવામાં આવી છે. રાજ્યમાં હવે સારથી-4 સોફ્ટવેર અપડેટ થતાં તેમાંથી તમામ વિગતો મેળવી લાઇસન્સ અંગેની કોઈ પણ કાર્યવાહી કરવા માટે રાજ્યના પરિવહન વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ લાઇસન્સ અંગેની એનઓસી મેન્યુઅલી આપવી નહીં તેમજ જો અન્ય રાજ્ય માટે જરૂરી હોય તો સારથિ-4 દ્વારા જ એનઓસી આપવી. ગુજરાત બહારથી આવતા લાઇસન્સ માટે એનઓસી જોઇશે તેમજ રાજ્ય બહાર જતા નાગરિકોને એનઓસી આપવામાં આવશે.આરટીઓમાં વર્ષ ર010થી કમ્પ્યૂટરાઇઝ્ડ સિસ્ટમ શરૂ થઈ છે. આ અગાઉના ડેટા કમ્પ્યૂટરમાં ન હોય અને લાઇસન્સમાં કોઈ ફેરફાર કરવાનો હોય તો બેકલોગ તરીકે એન્ટ્રી કરી સુધારા કરવાના રહેશે. વિદેશ જવા માટે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ માટે એપોઇન્ટમેન્ટની ઝંઝટમાંથી છુટકારો આપવામાં આવે છે, જે અંગેના પરિપત્રમાં જણાવ્યા મુજબ આવા કિસ્સામાં ઉમેદવાર સીધા આરટીઓમાં જઇ કાર્યવાહી કરી શકશે. હાલ લાંબા સમય બાદની એપોઇન્ટમેન્ટ મળે છે.