સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત કેટલાક વિસ્તારોમાં ભરઉનાળે માવઠું પડતા ઉનાળુ મગ, લસણ, ડુંગળી, કેરી સહિતના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી બદલાયેલા વાતાવરણની સીધી અસર કૃષિ ક્ષેત્ર પર પડી છે. કમોસમી વરસાદ અને હવામાને લસણ, ડુંગળી, કેરી, ઉનાળુ મગ, મગફળી વગેરેના પાક પર જોખમ ઊભું કર્યું છે. જ્યાં નોંધપાત્ર છાંટા પડયા છે ત્યાં પાકને નુકસાન થઈ ગયું છે. અમુક જગ્યાએ લસણના દાબા પલળી ગયાના વાવડ છે. જો વરસાદી વાતાવરણ વધુ ચાલુ રહે તો ખેતીને વધુ નુકસાન થાય તેવી ભીતિ છે. કૃષિ ક્ષેત્રના વર્તુળોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં કપાસ, મગફળી, ઘઉં, ચણા, જીરું જેવા મુખ્ય પાકો અત્યારે ખેતરમાં હોતા નથી, પરંતુ જ્યાં પાણીની સુવિધા છે ત્યાં ઉનાળુ મગફળી, મગ, લસણ, ડુંગળી વગેરે વાવવામાં આવ્યા હોય છે. વરસાદના કારણે ખેતરમાં રહેલા આ પાકોને નુકસાન થયા છે. કેરી પણ કમોસમી વરસાદથી બગડવા લાગે છે જ્યાં ખેતરો ખાલી છે ત્યાં પણ આ વરસાદથી જમીનને કોઈ નોંધપાત્ર ફાયદો નથી. જેના ખેતરમાં અત્યારે પાક છે તેના માટે કમોસમી પ્રતિકુળ વાતાવરણ ચિંતાનું કારણ છે. ખરીફ પાક અને રવી પાકથી પરવારેલા મોટાભાગના ખેડૂતો નવી મોસમની વાવણીની પ્રાથમિક તૈયારી કરી રહ્યા છે. ચોમાસુ સમયસર આવે તો 10 થી 20 જૂન વચ્ચે વાવણી થઈ જવાની આશા છે. સારા ચોમાસાની આગાહી ધરતીપુત્રો માટે રાહતરૂપ બની છે.