ગરમીની ઋતુમાં કેરી લોકો મજાથી ખાય છે. કેરીમાંથી બનતી અવનવી વાનગીઓ દરેક લોકો બનાવતા હોય છે. તો આજે અમે તમારા માટે કેરીથી બનતી વધુ એક વાનગી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં ખૂબ સહેલી અને સ્વાદમાં ખૂબજ ટેસ્ટી હોય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કેરીમાંથી આમ પાપડ..
સામગ્રી
અડધો કિલો – કેરી (પાકેલી)
2 ચમચી – ઘી
100 ગ્રામ – ખાંડ
1/4 ચમચી – નાની ઇલાયચી
બનાવવાની રીત
સૌ પ્રથમ આમ પાપડ બનાવવા માટે કેરીનો પલ્પ નીકાળીને મિક્સરમાં તેની પેસ્ટ બનાવી લો. પરંતુ પેસ્ટ બનાવતા સમયે પાણી ન ઉમેરવું. હવે તેને ઢાંકણ બંધ કરીને પીસી લો. ધ્યાન રહે કે તેમા કેરીના ટૂકડા ન રહી જાય તે ચેક કરી લો. પેસ્ટ મુલાયમ રાખવી. હવે એક ફ્રાય પેન લો અને તેમા કેરીની પેસ્ટ ઉમેરો. ત્યાર પછી તેમા ખાંડ ઉમેરો. તેને ગેસ પર મીડિયમ આંચ પર 20 મિનિટ સુધી ચઢવા દો. તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહો. 20 મિનિટ પછી તેમા ઇલાયચી પાઉડર ઉમેરો. હવે તેને બરાબર મિક્સ કરી લો. હવે ગેસની આંચ બંધ કરી લો. એક સ્ટીલની થાળી લો. તેમા ઘી લગાવીને તેને ચીકણી કરી લો. હવે થાળીમાં તૈયાર મિશ્રણ ઉમેરીને ચારેય તરફ ફેલાવી દો. હવે તેને 2-3 દિવસ તડકામાં રાખો. તે બરાબર સેટ થાય એટલે તેને કટ કરી લો. તૈયાર છે ટેસ્ટી આમ પાપડ..