વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ભાજપ નેતા અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના અવસાન પર ભારે દુ:ખ વ્યક્ત કર્યું છે. ગુરૂવારે સાંજે પોતાના સંબોધનમાં કહ્યું કે, સ્વર અને શબ્દ આપનાર, દેશના ભવિષ્યને દિશા આપનાર સૌકોઈના પ્રેરણાસ્ત્રોત હવે રહ્યા નથી. પીએમએ કહ્યું કે, અટલજીના રૂપમાં ભારતે આજે પોતાનો ‘અનમોલ, અટલ રત્ન’ ગુમાવ્યો છે. તેમનું વિરાટ વ્યક્તિત્વ અને તેમના જવાનું દુ:ખ બંને શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી.
મોદીએ કહ્યું કે, તેમનું અવસાન સંપૂર્ણ રાષ્ટ્ર માટે ક્યારેય ન ભરી શકાય તેવી ખોટ છે. મારા માટે અટલજીનું અવસાનએ પિતાતુલ્ય સંરક્ષકનું અવસાન છે. તેઓએ કહ્યું કે, તેઓ લોકનેતા, પ્રખર વક્તા, કવિ, પત્રકાર અને પ્રભાવશાળી આંતરરાષ્ટ્રીય વ્યક્તિત્વ ધરાવતાં હતા. અને સૌથી વિશેષ તેઓ ભારત માતાના સાચાં સપૂત હતા. તેમના અવસાન સાથે જ એક યુગનો અંત આવ્યો છે.
વડાપ્રધાન મોદીએ દેશને સંબોધતાં કહ્યું કે, વાજપેયીએ તેમને સંગઠન અને શાસન બંનેનું મહત્વ સમજાવ્યું છે. બંનેમાં કામ કરવાની શક્તિ અને સ્પોર્ટ આપ્યો છે. તેમજ તેઓ જ્યારે પણ તેમને મળતાં ત્યારે ખુશ થઇને લાગણીભર રીતે ગળે મળતાં હતા. તેમનું જવું એક એવી ઘટના છે જેમનું સ્થાન કોઈ જ લઈ ન શકશે.
પીએમ મોદીએ કહ્યું કે, અટલજીએ પોતાના કુશળ નેતૃત્વ અને સંઘર્ષ દ્વારા જનસંઘથી લઈ ભાજપ સુધીનો મજબૂત પથ તૈયાર કર્યો છે. તેમને ભાજપના વિચારો અને નીતિઓને લોકો સુધી પહોંચાળ્યો છે. તેમના પરિશ્રમના કારણે જ ભાજપ આજે આ સ્થાન પર પહોંચી છે.
અટલજીને માટે સંદેશો આપતાં મોદી ઘણાં ભાવુક થયા હતા અને કહ્યું કે, તેમની વાણી, તેમનું જીવન, દર્શન તમામ ભારતવાસીઓ માટે પ્રેરણા સમાન બની રહ્યું છે. દેશના લોકોને તેમનું વ્યક્તિત્વ હંમેશા માર્ગદર્શન આપતું રહેશે. તેમને કહ્યું કે, મારી સંવેદના તેમના પરિવાર અને સમગ્ર દેશવાસીઓની સાથે રહેલી છે. આ દુ:ખના સમયમાં અટલજીના ચરણોમાં આદરપૂર્વક મારી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.