લાંબા વિરામ બાદ અમદાવાદ જિલ્લામાં વહેલી સવારથી વરસાદનું આગમન થઈ ગયું છે. સવારે 5 વાગ્યાથી વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. અમદાવાદના સોલા, સત્તાધાર, એસ જી હાઈવે, ઘાટલોડિયા, બાપુનગર, રખિયાલ, ગોમતીપુર, ઈસનપુર, મણિનગર, દાણિલીમડા, વેજલપુર, એસ જી હાઈવે, જજીસ બંગલો, પાલડી, ઓઢવ, સારંગપુર, ચાંદખેડા, ગોતા, ચાંદલોડિયા, સાબરમતી વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ ખાબક્યો હતો.
હવામાન ખાતા દ્વારા 72 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય બની છે. આ ઉપરાંત રાજ્યના દરિયા કાંઠાના વિસ્તારોના માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ અપાઈ છે. અત્રે જણાવવાનું કે અત્યાર સુધી રાજ્યમાં 56 ટકા વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં સરેરાશ 22 MM વરસાદ નોંધાયો છે. અમદાવાદના મધ્યમાં 23.17 MM, પૂર્વમાં 22 MM વરસાદ, નવા પશ્ચિમમાં 29.17 MM, ઉત્તર 14.17 MM વરસાદ, પશ્ચિમમાં 20.75 MM, દક્ષિણમાં 27 MM વરસાદ નોંધાયો છે. આ સિવાય અમદાવાદના જજીસ બંગ્લો અને ચમનપુરામાં એક – એક વૃક્ષ ધરાશાયી થવાના અહેવાલ મળી રહ્યા છે.
બીજી બાજુ લાંબા સમય બાદ અમરેલીમાં મેઘરાજાની રિ-એન્ટ્રી થઈ છે. અમરેલીના અનેક તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. અમરેલીના બાબરા, બગસરામાં મેધરાજાએ કૃપા વરસાવી હતી. આજે વહેલી સવારથી વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આણંદ- ખંભાતમાં પણ ભારે પવન સાથે વરસાદ છે.
સુરતમાં પણ આજે વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. સુરતના ઓલપાડ, કીમ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દાહોદના ઝાલોદ, ફતેપુરા, ધાનપુર, લીમખેડામાં વરસાદ પડી રહ્યો છે.
ભાવનગર, તળાજા અને પાલીતાણામાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સિંહોરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. સમગ્ર ઝાલાવાડ પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. વઢવાણ તેમજ લીમડી પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા છે. ઠંડા પવનને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.