સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ પાંચાળ વિસ્તારના તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ તા.૧ર થી ૧પ મી સપ્ટે. દરમિયાન ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં વિશ્વ વિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળો યોજાનાર છે. આ લોક મેળામાં તરણેતરની આસપાસના ગ્રામીણ લોકોની સાથે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પર્યટકો આવે છે.
સૌરાષ્ટ્રનો પ્રાગ ઐતિહાસીક કાળમાં સૌરાષ્ટ્ર વિસ્તાર દ્વિપકલ્પ હતો. તે વખતે ધીરેધીરે જે જમીન સમુદ્ર માંથી સૌથી પહેલા બહાર નીકળી અને હજારો વર્ષ કે લાખો વર્ષ સુધી ટકી રહી એ જે ટોચનો વિસ્તાર છે તે સૌરાષ્ટ્રનો પાંચાલ વિસ્તાર તરીકે પ્રસ્થાપીત થયો છે. આ પંચાળ ભોમકા ઉપર તરણેતરીયો મેળો હીલોળા લેશે.
એક લોકવાયકા મુજબ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરની ફરતા કુંડમાં પાંચ ઋષિઓએ ભેગા થઈ ગંગાજીના અવતરણ માટે આહવાન કરી ગંગાજીનું પ્રાગટય કર્યુ હતુ. તેની પાછળનો ઉદ્દેશ પણ તેમનો કદાચ એ હોઈ શકે કે આ વિસ્તારની ગરીબ પ્રજા, અહીનું લોકજીવન કદાચ ગંગાજી સુધી હરદ્વાર કે ઋષીકેશ ન જઈ શકે તો અહી ગંગાજીમાં ડુબકી લગાવીને પુણ્યનુ ભાથુ બાંધી શકે. આથી ગંગાજીના અવતરણને નિમિત્ત બનાવી અહી લોકો પોતાના પિતૃઓની અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે ઋષીપંચમીના દિવસે તરણેતર આવતા થયા, એ રીતે ઐતિહાસીક રીતે મેળાની શરૂઆત થઈ હોવાનું અનુમાન સેવાઈ રહ્યુ છે.
સૌરાષ્ટ્રના ત્રણ મેળા મહત્વના છે. ભવનાથનો શિવરાત્રીનો મેળો, ધેડ પ્રદેશમાં માધવપુરનો મેળો અને પાંચાળનો તરણેતરનો મેળો, આ ત્રણેય મેળાને વિવિધ રીતે વહેંચવા હોય તો તરણેતરનો મેળો ભાતીગળ રંગનો મેળો છે. માધવપુરનો મેળો એ રૂપનો મેળો છે. અને શિવરાત્રીનો મેળો ભકિતનો મેળો એમ વહેંચી શકાય છે.
તરણેતરના મેળામાં આવતા લોકોની તેમના પહેરવેશ ઉપરથી જ્ઞાતિ ઓળખાઈ જાય છે, એમના એક આગવા પોશાકમાં પાઘડીઓ, સાફા, ચોરણીઓ, ઘરેણાઓ થકી મેળામાં પણ વિવિધતા જોવા મળે છે. આ વિસ્તારમાં તળપદા કોળી જ્ઞાતિ પાંચાળ વિસ્તારમાં સ્થિર થયેલી છે. આ મેળાની વિશેષતા ઘણી બધી છે. પણ સૌથી વધારે જો આ મેળાની અંદર કોઈ મહત્વનું પાસુ હોય તો આ મેળાની રાવટીઓ છે. આ તરણેતરના મેળા થકી ઘણા બધા કલાકારો સંતવાણી રેલાવીને નામના ઉભી કરી ચૂકયા છે.
પાંચાળ વિસ્તાર જોરૂકા માણસોનો વિસ્તાર છે, અહીં પ્રજા ખડતલ છે. પણ રતમ-ગમતનું પ્રમાણ બહુ ઓછુ છે. ગ્રામીણ રમતોનો એક જમાનો હતો. જે ધીરે-ધીરે ગામડાઓમાંથી લુપ્ત થતો જોવા મળી રહ્યો છે. ત્યારે લુપ્ત થઈ રહેલ રમત-ગમતને પુનઃ જીવંત કરવાના ભાગરૂપે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતે પહેલ કરી તરણેતર મેળાના માધ્યમથી વિવિધ રમતોને જીવંત રાખી છે. આ તરણેતર લોકમેળામાં રાજય સરકાર દ્વારા પશુ પ્રદર્શન હરીફાઈ યોજી છે.
જેના કારણે મેળામાં આવતા પશુ પાલકો પશુઓની ઓલાદોના શ્રેષ્ઠ પશુઓને નજીકથી નિહાળી પશુઓના માલીકો સાથે શ્રેષ્ઠ ગુણધર્મોવાળા પશુઓ અને તેના થકી મળતુ ઉચ્ચ વળતર તથા તેમનું સારામાં સારી રીતે પાલન કેવી રીતે કરી શકાય તેની જાણકારી મેળવતા થયા છે.
આમ, ચાર દિવસ સુધી ચાલતા આ મેળામાં આરોગ્યની સાથે સ્વચ્છતા પણ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્રે આ વર્ષે પ્રથમ વખત મેળામાં પ્લાસ્ટીકના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકયો છે. અને મેળાના મુલાકાતીઓને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે પાણીના 30 સ્ટેન્ડ ખાસ મુકવાનું આયોજન કરાયુ છે. આ ઉપરાંત આપણી સંસ્કૃતિમાં દર્શાવેલ વાજીંત્રોનું અસ્તીત્વ ટકાવી રાખવા રાવણ હથ્થા જેવા સંગીતના વાદ્યની હરીફાઈ યોજાશે. આમ આજે તરણેતરનો આ ભાતીગળ મેળો દેશના સીમાંડાઓ વટાવી આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત મેળો બની રહેવા પામ્યો છે.
મેળા દરમિયાન યોજાનાર કાર્યક્રમો
તરણેતર મેળામાં મંત્રીના હસ્તે ગ્રામીણ રમોત્સવ તેમજ માહિતી ખાતા દ્વારા ગુજરાતની વિકાસગાથા અને લોકકલા-સંસ્કૃતિની ઝાંખી કરાવતુ સુંદર તસ્વીરી પ્રદર્શન ઉપરાંત અન્ય પ્રદર્શન સ્ટોલોનું ઉદ્ઘાટન કરવામાં આવશે તથા રાત્રે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં રાવટીના કલાકારો ભજન-સંધ્યા યોજાશે. તા.૧૩ મી સ્પટે.ના રોજ સવારે ૧૦:રપ કલાકે પાળીયાદના પૂ.વિસામણ બાપુની જગ્યાના મહંતશ્રી પ.પૂ.નિર્મળાબા ઉનડબાપુની ઉપસ્થિતીમાં ધ્વજારોહણ અને શિવપૂજન થશે.
રાત્રે ૯:૩૦ કલાકે પંચાયતના સ્ટેજ ઉપર સુરેન્દ્રનગર માહિતી કચેરી આયોજીત લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે. તા.૧૪ મી સપ્ટે.ના રોજ સાંજે પ કલાકે ગંગા અવતરણ આરતી થશે અને મેળાના મેદાનમાં માટલા દોડ, રસ્સા ખેંચ, સ્લો સાયકલીંગ, પરંપરાગત રાસ અને હુડા જેવા કાર્યક્રમો યોજાશે. જયારે બપોરે રાસ-ગરબા, દોરડા, છત્રી હરીફાઈ, પાવા હરીફાઈ જેવા કાર્યક્રમ યોજાશે અને રાત્રે લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે. તા.૧૪ મી સપ્ટે.ના રોજ સવારે ૧૧ કલાકે રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ખાસ ઉપસ્થિત રહેશે અને ગ્રામીણ રમતોત્સવની મુલાકાત લઈ વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઈનામ વિતરણ કરશે. આ પ્રસંગે સાંસદ દેવજીભાઈ ફતેપરા તથા ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.