હવે માત્ર એક કલાક કરતા ઓછા સમયમાં તમને રૂપિયા 1 કરોડ સુધીની લોન મળી શકશે. મોદી સરકાર નાના-મધ્યમ ઉદ્યોગ સાહસિકો માટે એક મોટા રાહત પેકેજની જાહેરાત કરવા જય રહી છે. મીડિયાને મળેલી ‘એક્સક્લુઝિવ’ માહિતી અનુસાર, બીજી નવેમ્બરથી વડાપ્રધાન આ યોજનાની જાહેરાત કરશે. આ યોજના અંતર્ગત નાના કારોબારીઓ માટે એક કરોડ રૂપિયાની લોન હવે આસાનીથી પ્રાપ્ત થશે. આ સાથે જ આ વ્યવસાયકારો માટે મોટું બજાર ઉપલબ્ધ કરાવવાની પણ જોગવાઈ છે.
યથાયોગ્ય સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ યોજના મુજબ- 1. એમએસએમઇ માટે સસ્તા વ્યાજ દરથી લોન મળશે, 2. વ્યાજમાં મળનારી છૂટ વધારશે, 3. એમએસએમઇ ના ઉત્પાદનો ખરીદવા માટે પ્રોત્સાહન અપાશે, 4. નાના-મધ્યમ ઉદ્યોગકારોના યુનિટો ઉપર સબસીડી લોન વધારાશે, 5. નાના-મધ્યમ ઉદ્યોગકારોને હાથો-હાથ લોન અપાશે. જોકે, આ યોજના લાગુ કરતા પૂર્વે ચૂંટણી પંચની મંજૂરી લેવી પડશે.
MSME ઉપર સરકારનું વધારે ધ્યાન એટલા માટે છે કે આ ક્ષેત્ર જ સૌથી વધુ રોજગારી આપી રહ્યું છે. આ ક્ષેત્રમાંથી તમામ પ્રકારની નોકરશાહી દૂર કરી તેનો વિકાસ કરવા તરફ સરકાર વધારે ચિંતિત છે.