શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. અવનવા શાકભાજી અને ફળો માર્કેટમાં આવી ગયા છે. તો આજે અમે તમને ખુબજ સરળતાથી અને સ્વાદિષ્ટ રિંગણનો ઓળો જેને ભરથુ પણ કહેવામાં આવે છે તે બનાવતા શીખવીશુ.
રીંગણનું ભરથુ બનાવવા જોશે સામગ્રી
રીંગણ, કેપ્શીકમ, તીખા લીલા મરચા, કોથમીર, ડૂંગળી, આદૂ-મરચા-લસણની પેસ્ટ, તેલ, લીંમડાના પાન, લાલ મરચાનો પાવડર, ધાણાજીરૂ, હળદર, સ્વાદ અનુસાર મીઠુ, જીણી સેવ
રીંગણનું ભરથુ બનાવવાની રીત
આ ભરથુ બે રીતે બને છે સૌ પ્રથમ આપણે કાચો ઓળો કેમ બનાવવો તે શીખીશુ. આ ઓળો પ્રમાણમાં વધારેલા ઓળા કરતા થોડો ઓછો સ્વાદમાં લાગે છે પણ બાજરાના રોટલા સાથે આ ઓળો ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.
સૌ પ્રથમ ગેસ પર કે ચુલા પર મોટા રિંગણને કાપા મુકી તેના પર તેલ લગાવી શેકો. આ એટલા માટે કરવામાં આવે છે કેમકે રિંગણમાં જો કાપા ન મુકેલ હોય તો રિંગણ ફાટે છે. ત્યારબાદ સરખા શેકાય જાય એટલે તેની છાલ દૂર કરી ડીંટાઓ કાપી તેને બારીક સમારીલો. આપણે કાચો ઓળો તૈયાર કરી રહ્યા છીએ એટલે આમાં આપણે વધાર નહી કરીએ.
આ રીંગણમાં મરચુ, મીઠુ, ગરમ મસાલો હળદર કોથમીર નાખી મીક્સ કરી ઉપરથી થોડુ તેલ નાખો લો તૈયાર છે સાદો ઓળો. કેટલાક લોકો આમાં લસણની ચટણી નાખતા હોય છે.
હવે આપણે બીજો અસલી કાઠીયાવાડી સ્ટાઈલનો ઓળો બનાવીશુ. આમાં પણ એજ રીતે રીંગણ શેકીલો ત્યારબાદ એક પેનમાં તેલ મુકી વધાર કરો. તેલ આવે ત્યારે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ અને ડૂંગળી નાખો ત્યારબાદ તેમાં રીંગણ નાખી બધો મસાલો નાખી દો. જીણી સેવ અને કોથમીર નાખી સજાવો. આ ઓળો ખુબજ સ્વાદિષ્ટ અને શિયાળામાં ખુબજ બનાવાય છે.