૨૨ વર્ષીય સ્મિતાને હંમેશાં ઓફિસેથી ઘેર પહોંચતા માથું દુઃખવા માંડતું. પેઇન ક્લિર લેવાથી તેનો તે દિવસ તો આરામથી પૂરો થઇ જતો પણ બીજા દિવસે પાછું ફરીથી માથું દુઃખવા માંડતું. એક મલ્ટિનેશનલ કંપનીમાં કાર્યરત સ્મિતાને હંમેશાં આ વાતની ચિંતા થયા કરતી કે તે આ માથાના દુખાવાથી કેવી રીતે છુટકારો મેળવી શકશે! ડોક્ટર પાસે જઇને તેણે ઘણા બધા ટેસ્ટ કરાવ્યા પણ કોઇ પણ પ્રકારની બીમારી કે રોગનું નિદાન થઇ શક્યું નહીં. છેવટે ડોક્ટરે તેનું બ્લડપ્રેશર માપ્યું તો તે ઘણું વધારે હતું. સ્મિતાએ દવા લેવાની શરૂ કરી. તેનાથી તેને ફાયદો પણ થયો પરંતુ શું તેણે જીવનભર આ દવા કે ગોળી ઉપર જ આધાર રાખવો પડશે! આવો વિચાર આવતાં જ તે ગભરાઇ ગઇ.
આ બાબતમાં મુંબઇના એશિયન હાર્ટ ઇન્સ્ટિટયૂટના ર્કાિડયોલોજિસ્ટ કહે છે, ‘નાની ઉંમરે હાઇપરટેન્શનની બીમારીમાં દિન પ્રતિદિન વધારો જ થયા કરે છે. જે ખાસ કરીને આપણી આજની જીવનશૈલી અને ડાયેટ ઉપર નિર્ભર છે. છેલ્લાં કેટલાંક વરસોમાં હાઇપરટેન્શનની સમસ્યામાં ભારતનાં શહેરમાં ૩૦ ગણો અને ગામડાઓમાં ૧૦ ગણો વધારો થયો છે. તેને સાયલન્ટ ક્લિર પણ કહેવાય છે. કારણ કે નાની ઉંમરમાં આ બીમારી થાય તો પણ દર્દીને ખબર પણ પડતી નથી કારણ કે આ બીમારીનાં કોઇ ચોક્કસ લક્ષણો હોતા નથી. સમય જતાં જો તેનો કોઇ ઇલાજ કરવામાં ના આવે તો સ્ટ્રોકથી કિડની, હાર્ટફેલ અથવા બ્લાઇન્ડનેસ પણ થઇ શકે છે. આવા સંજોગોમાં નિયમિત ચેકઅપ કરાવી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.’ આ બીમારીના કેટલાંક સામાન્ય લક્ષણો નીચે પ્રમાણે છેઃ
માથામાં દુખાવો થવો અને મોટાપો થવો, વજનમાં વધારો થવો.
ઊલ્ટી થાય તેવું લાગવું, ઊબકા આવવા.
આંખો નબળી પડવી.
એક જગ્યાએ બેસીને કોઇ કામ સારી રીતે ન કરી શકવું.
ચામડીમાં લાલાશ આવી જવી.
બ્લડપ્રેશર અથવા હાઇપરટેન્શન ઓછું કરવા માટે મીઠું, પાપડ, અથાણાં, ચટણી વગેરે બંધ કરી દેવાં જોઇએ કારણ કે ડાયેટ કંટ્રોલ અને જીવનશૈલીમાં ફેરફાર કરવાથી તેમાં ૨૦ ટકા ઘટાડો કરી શકાય છે, પરંતુ આ સમસ્યા માત્ર ડાયેટ કંટ્રોલથી સંપૂર્ણ નાબૂદ કરી શકાતી નથી. દવા પણ સાથે ચાલુ રાખવી પડે છે. ડો. મિલન આગળ કહે છે કે આજકાલ વધારે દર્દીઓ તો કોર્પોરેટ સેક્ટરમાંથી જ આવે છે, જેમની ઉંમર લગભગ ૨૫-૩૦ વરસ હોય છે. આવા ઉંમરના વર્ગના યુવાનો ગમે ત્યારે ગમે તે ખાતા હોય છે. બસ, પેટ ભરાવું જોઇએ.
અત્યંત વ્યસ્ત લાઇફસ્ટાઇલવાળી વ્યક્તિએ સમય સમય પર બ્લડપ્રેશર ચેક કરાવવું જોઇએ. ખાસ કરીને કોર્પોરેટ સેક્ટર અને કોલ સેન્ટરમાં કામ કરનાર વ્યક્તિઓએ તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. બ્લડ પ્રેશર ચેક કરવાનો યોગ્ય સમય સવારના ૧૦થી ૧૨ વાગ્યા સુધીનો છે.
એક ડાયેટિશિયન કહે છે કે, ‘આજકાલ તણાવ ખૂબ જ વધી ગયો છે. યુવાનો તણાવમાં વધારે દેખાય છે. જ્યારે તમે વધારે પ્રમાણમાં સોડિયમ અને ફેટ્ટી પદાર્થો ભોજનમાં લો છો ત્યારે રક્તવાહિનીઓમાં લોહીનું દબાણ વધે છે. વધારે પ્રમાણમાં સોડિયમ લેવાથી લોહીમાં પાણીનું પ્રમાણ વધે છે. આના કારણે હૃદય ઉપર વધારે દબાણ આવે છે જેના કારણે બ્લડપ્રેશર વધી જાય છે.’
ખાવા-પીવામાં જો સાવધાની રાખવામાં આવે તો થોડોક સમય દવા લીધા પછી ડોક્ટરનો અભિપ્રાય લઇને આ દવા બંધ કરી શકાય છે પણ બ્લડપ્રેશરની દવા હંમેશાં ચાલુ જ રાખવાની ડોક્ટરો સલાહ આપે છે.
ખાવામાં ૬૦ ગ્રામ પ્રોટીન તમને યોગ્ય પોષણ આપી શકે છે. જરૂરિયાત કરતાં વધારે પ્રોટીન પણ લેવું ના જોઇએ.
ખોરાકમાં હંમેશાં મીઠાનું પ્રમાણ પણ ઓછું રાખો. ડાઇનિંગ ટેબલ ઉપર ક્યારેય મીઠું રાખવું નહીં. જેને હાઇ બ્લડપ્રેશરની તકલીફ હોય તેણે ઉપરથી મીઠું લેવાનું બંધ કરી દેવું જોઇએ. જેમ કે કચુંબર અને સલાડમાં મીઠું નાખવાની સલાહ નથી. આ સિવાય પણ બેકિંગ પાઉડર, સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે ખાવાનો સોડા, પ્રિઝવ્ડ્ ફૂડ વગેરેનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરો. તાજા બનાવેલા ખોરાકનો જ ઉપયોગ કરો.
ખોરાકમાં તેલનું પણ ખૂબ મહત્ત્વ છે. જેટલું બને તેટલું ઓછું તેલ વાપરો. બને ત્યાં સુધી તળેલો ખોરાક ઓછો લો.
કેટલીક ખાસ વાતો ધ્યાનમાં રાખોઃ
વધારે પ્રમાણમાં ફળો અને લીલાં શાકભાજીનો ઉપયોગ કરો.
લો ફેટનું દૂધ લો.
સોડિયમનું પ્રમાણ ઓછું કરો.
જો તમે શાકાહારી નથી તો ભોજનમાં મચ્છી જરૂર ખાવ. જ્યારે મટન અને ચિકનનો ઉપયોગ ઓછો કરો તેની પરેજી પાળો.
જીવનશૈલીમાં બદલાવ લાવો, જે તમારા બ્લડ પ્રેશર ઓછું કરી શકે છે.
રોજ કસરત કરો. જેમાં ચાલવું, તરવું અને સાઇકલ ચલાવવી વગેરેનો સમાવેશ થાય છે.
દરરોજ સાતથી આઠ કલાક સારી રીતે ઊંઘ લો.
તણાવ ઘટાડવા માટે હંમેશાં શારીરિક રીતે એક્ટિવ રહો. મનોરંજનનાં સાધનનો ઉપયોગ કરો. નશાથી હંમેશાં દૂર રહો.
પોતાનું વજન હંમેશાં સીમિત રાખો. જો બ્લડપ્રેશરમાં ઉતાર-ચડાવ આવતો હોય તો ચિંતા ના કરશો. વ્યક્તિનું બ્લડપ્રેશર દિવસમાં ઘણી વખત બદલાય છે- કેટલીક વખત વધે છે તો કેટલીક વખત ઘટે છે જો આવું વારંવાર થતું હોય તો ડોક્ટરની સલાહ લો. કારણ કે બીજી બીમારીઓ પણ આ ઉતાર- ચડાવ માટે જવાબદાર હોઇ શકે છે.
હાઇપરટેન્શન ઘટાડવા માટે ખોરાકમાં શાક અને લીલા શાકભાજીનો સમાવેશ જરૂર કરો. ડુંગળી, લસણ, લીંબુનો રસ, જીરું, મરી, ધાણા, લીલા ધાણા, હળદર વગેરેનો ઉપયોગ શાકભાજીમાં જરૂર કરો, જેનાથી ભોજન તો સ્વાદિષ્ટ બને છે પણ આરોગ્ય માટે પણ સારું છે. ઘી અને માખણ ઓછું ખાવ. આ સિવાય ભોજન નિયમિત સમયે લેવાની ટેવ પાડો જેથી તમે સ્વસ્થ અને સ્ફૂર્તિવાન બનશો. યાદ રાખો હાઇપરટેન્શન એ કોઇ રોગ નથી.