દસમાંથી આશરે છ જેટલી સ્ત્રીઓ પતિ કે પિતાના નસકોરાંથી પરેશાન હશે. ઘણીવાર સ્ત્રીઓ પણ ખૂબ નસકોરાં બોલાવતી હોય છે. નસકોરાં માટે સાવ સામાન્ય માન્યતા એવી છે કે બહુ થાક્યા હોઇએ ત્યારે નસકોરાં બોલતા હોય છે. આ માન્યતા મહદઅંશે સાચી હોવા છતાં એટલું યાદ રાખવું કે નસકોરાંની આદત ઘણીવાર સ્લીપ એપ્નિયા જેવા ડિસઓર્ડર તેમજ બીજી અમુક બીમારીનો પણ સંકેત આપે છે.
માત્ર નાક દબાવીને કે પછી બીજા કોઈ ઉપાય અજમાવીને તમે આ તકલીફને બંધ કરી શકો છો. સ્વસ્થ શરીર માટે શાંતીવાળી ઊંઘ ખૂબ જરૂરી છે. દિવસ આખો કામની દોડાદોડી કરતાં હોઇએ ત્યારે રાત્રે તો સરખી ઊંઘની જરૂર હોય. એવામાં જો તમારા પાર્ટનર મોટે મોટેથી નસકોરાં બોલાવતાં હોય તો સ્વાભાવિક છે કે તમને ઊંઘમાં ખલેલ પહોંચે. પણ નસકોરાં કયા કારણોસર બોલે છે તેની ઉપર એક નજર કરીએ. કેમ કે થાક એ તો સર્વ સામાન્ય કારણ છે, તે સિવાય પણ ઘણાં કારણો છે જેથી નસકોરાંની સમસ્યા સતાવતી હોય.
ઘણાં લોકોને સૂતા સમયે ગળાની પાછળનો ભાગ દબાઇ જતો હોય છે, જેથી આપણા નાક દ્વારા સરખી રીતે શરીરમાં અંદર હવાનો પ્રવેશ નથી થતો. તે કારણે નસકોરાં બોલવા લાગે છે. તે સિવાય પણ નસકોરાંના બીજા ઘણાં કારણ છે. જેમ કે વધતું વજન. નસકોરાં બોલવાનું સૌથી મોટું કારણ વજનનો વધારો છે. તે સિવાય એલર્જીના કારણે શરદી હોય તો, કોઇની જીભ વધારે મોટી અને પહોળી હોય તો પણ નસકોરાં બોલતા હોય છે. આમ નસકોરાં બોલવા પાછળ અનેક કારણો જવાબદાર છે.
પડખું ફરીને સૂવું
નસકોરાં બોલાવવાનું પ્રમુખ કારણ તમારા સૂવાની રીત ઉપર પણ નિર્ભર છે. જો તમે સીધા સૂવો છો તો તેનાથી તમારા ગળાના પાછળના ભાગમાં વધારે દબાણ આવે છે, અને પરિણામે નાકથી સરખી હવા શરીરમાં નથી જતી. જેથી નસકોરાં બોલવાના શરૂ થઇ જાય છે. તેથી જો તમે સીધા સૂતા હોવ તો પડખું ફરીને સૂવાનું ચાલુ કરો. કદાચ આમ કરવાથી નસકોરાં બોલતા બંધ થઇ જાય. અલબત્ત જો તે સીધા સૂવાના કારણે જ બોલતા હોય તો.
પેપરમિન્ટ ઓઇલ
પેપરમિન્ટ ઓઇલ નાકના પેસેજ ખોલવામાં અને ગળાના ટીશ્યૂઝને સંકોચવામાં મદદ કરે છે. આનાથી નસકોરાને બંધ કરવા આસાન થઇ જાય છે. જો તમને રોજ નસકોરા બોલાવવાની આદત હોય તો તમારા હાથ રૂમાલમાં પેપરમિન્ટ ઓઇલના બે-ત્રણ ટીપાં નાખી અને થોડી થોડીવારે સુંઘતા રહેવું આનાથી નાક ખુલી જશે અને નસકોરાની તકલીફ પણ નહીં થાય.
મેથી
મેથીમાં ન્યૂટ્રીઅન્ટ્સની સાથે સાથે એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિ વાઇરલ ગુણ હોય છે. મેથી તમારી પાચન ક્ષમતાને મજબૂત બનાવે છે. અને પાચન સાથે નસકોરાંને સીધો સંબંધ હોય છે. આનાથી નસકોરાં ઓછા કરવામાં મદદ મળે છે. રોજ સૂતા પહેલાં એક ચમચી મેથી પાઉડર અથવા મેથીના દસ દાણા ગળી જવાથી ધીમે ધીમે નસકોરાં બોલાવવાની ટેવ બંધ થઇ જશે.
નીલગિરિ તેલ
નીલગિરિમાં ભરપૂર માત્રામાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે. આ એન્ટિ બેક્ટેરિયલ ગુણ નાકના પેસેજના સોજાને ઓછો કરે છે. જેનાથી પણ નસકોરાંની સમસ્યા બંધ થઇ જાય છે. તેથી નિયમિતરૂપે નીલગિરિના તેલને સૂંઘો. નિયમિતપણે જો તમે આ તેલને સૂંઘશો તો થોડા સમયમાં જ નસકોરાં બોલવાના બંધ થઇ જશે.
વિટામિન-સી ટેબ્લેટ્સ
વિટામિન-સી રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવે છે. જો તમે ધીરેધીરે નસકોરાં બોલાવતાં હોવ તો એક મહિનો રોજ વિટામિન-સીની ગોળી લો. તેનાથી થોડા દિવસમાં નસકોરાં બોલતા બંધ થઇ જશે. જો તમે આ ટીકડીઓ લેવા ન ઇચ્છતા હોવ તો વિટામિન-સી યુક્ત ફળ પણ ખાઇ શકો છો. વિટામિન-સી યુક્ત ફળ પણ તમને નસકોરાંની સમસ્યામાંથી છુટકારો અપાવી શકશે. અલબત્ત જો તમને સાવ ઓછી નસકોરાં બોલાવવાની ટેવ હોય તો જ આ પ્રયોગ કરવો. કેમ કે વધારે નસકોરાં બોલાવવાની આદત હોય તો આ ઉપાય નહીં કારગત નીવડે. તો તમારે ઉપર જણાવેલા ઉપાય અજમાવવા પડશે.