હોઠ ઉપર લગાવવામાં આવતી ગુલાબી કલરની લિપસ્ટિક આખા ચહેરાને રોનક આપે છે. ચહેરાને સુંદર બનાવે છે. તે જ રીતે જો તમારા હોઠ કુદરતી રીતે જ ગુલાબી અને કુમળા હોય તો પછી પૂછવું જ શું? પણ મોટે ભાગે ઉંમર જેમ જેમ વધતી જાય તેમ તેમ હાઇ કેમિકલ્સની લિપસ્ટિક લગાવી, પ્રદૂષણના કારણે તેમજ બીજા પણ અનેક કારણે હોઠની સુંદરતા બગડતી જાય છે. તો હોઠને પહેલાં જેવા જ સુંદર, કોમળ અને ગુલાબી બનાવવા શું કરવું તે વિશે થોડું જાણી લઇએ..
દૂધ અને ગુલાબની પાંદડી
ગુલાબ જેવાં ગુલાબી હોઠ કરવા માટે ગુલાબની પાંદડીઓનો જ ઉપયોગ કરવો. ગુલાબના ફૂલની પાંખડીઓને પીસી લેવી, તે પેસ્ટમાં કાચા દૂધને ભેળવી પંદરથી વીસ મિનિટ સુધી હોઠ ઉપર આ મિશ્રણ ઘસવું. આ ઉપાય રોજ અજમાવવાથી એક મહિના બાદ તરત તમને તેનો ફાયદો દેખાવા માંડશે, અને તમારા હોઠ ઉપરની કાળાશ દૂર થઇ હોઠ મખમલી તેમજ ગુલાબી બની જશે. કેમ કે દૂધ હોઠને મુલાયમ બનાવવાનું કામ કરે છે, જ્યારે ગુલાબની પાંદડીથી હોઠનો રંગ બદલાય છે.
બીટ
ઘણી સ્ત્રીઓને હોઠ બે કલરના થઇ ગયા હોય, ઉપરનો હોઠ વધારે કાળો અને નીચેનો હોઠ મધ્યમ કલરનો હોય છે. આમ હોઠના બે બે કલર થઇ જતા હોય છે. જે દેખાવે ખૂબ જ ખરાબ લાગે છે. આવું ન થાય તે માટે હોઠ ઉપર બીટની ચીરી રોજ હળવે હાથે ઘસો. બીટ ઘસવાથી ધીમેધીમે હોટના કલર એક સમાન થઇ જશે. બીટમાં બેટાનિન એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટિ ઇન્ફલમેટરી ગુણ હોય છે. જે હોઠની ત્વચાને કોમળ બનાવે છે, અને તેનો રંગ એકસમાન કરે છે.
લીંબુ અને મધ
લીંબુ ત્વચાની જેમ જ હોઠ પરથી સન ટેન નાબૂદ કરવાનું કાર્ય કરે છે, જ્યારે મધ તેને કોમળ બનાવી હોઠનો કલર ગુલાબી કરવાનું કાર્ય કરે છે. જો તમે માત્ર ત્રણથી ચાર દિવસોમાં જ હોઠનો કલર ગુલાબી કરવા માંગતા હોય અને હોઠને કોમળ બનાવવા માંગતા હોય તો લીંબુ મધના મિશ્રણને હોઠ પર લગાવો. એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરી આ મિશ્રણને હોઠ પર લગાવો. આ મિશ્રણ એક કલાક સુધી લગાવી રાખો. ત્યારબાદ ઠંડા પાણી વડે હોઠ ધોઇ લો. આ ઉપાય માત્ર ત્રણથી ચાર દિવસ અજમાવવાથી હોઠ ગુલાબની પાંદડી જેવા બની જશે.
દાડમ
દાડમના દાણામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. તેથી તે હોઠના રંગને બદલવાનું કાર્ય ખૂબ જ સુંદર રીતે કરે છે. આ માટે એક ચમચી દાડમના દાણાને પીસી લો, તેમાં કાચું દૂધ મિક્સ કરી લો. આ મિશ્રણને હોઠ ઉપર લગાવો. દસથી પંદર મિનિટ સુધી મિશ્રણને ઘસો અને ત્યારબાદ ઠંડા પાણી વડે હોઠ સાફ કરી લો. આશરે મહિનો આ ઉપાય અજમાવવાથી હોઠની સુંદરતા બમણાઇ જશે. અને હોઠની કાળાશ દૂર થઇ તે ગુલાબી બની જશે અને તે મુલાયમ પણ બની જશે. આ સીવાય તમે હોઠ ઉપર બટાકા પણ ઘસી શકો છો. તે પણ તમારા હોઠને મુલાયમ અને ગુલાબી બનાવી શકે છે.