લીલા પાનવાળી ભાજી ખાવાની ઋતુ એટલે શિયાળો. આમ તો મોટા ભાગની ભાજીઓ બારેમાસ ખાઈ શકાય એવી હોય છે, પણ ગરમી અને વરસાદમાં ગંદા પાણીને કારણે ઉનાળા-ચોમાસામાં ભાજી ઓછી ખાવામાં આવે છે. જોકે આપણે ત્યાં મૂળાની ભાજી ખૂબ જ ઓછી મળતી હોવાથી એનો વપરાશ પણ ઓછો છે.
મેથીની ભાજી
મેથીની ભાજી આહારના પાચનમાં મદદરૂપ થાય છે. ગરમ તાસીરને કારણે પિત્ત, સોજો, રક્તપિત્ત, બ્લડ-પ્રેશર, ચક્કર આવવા, લોહી પડવાની તકલીફ, હરસની તકલીફ હોય ત્યારે મેથીની ભાજી કે દાણાનું સેવન સંભાળીને કરવું જોઈએ. શરીરને સ્વસ્થ રાખવા માટે કડવા રસની પણ એટલી જ જરૂર હોય છે. કડવાશ માટે મેથી અને હળદર જેવાં દ્રવ્યો રોજિંદા વપરાશમાં વાપરવા જોઈએ.
તાંદળજાની ભાજી
આ એક એવી ભાજી છે જે સહેલાઈથી ભારતમાં ઉપલબ્ધ પણ છે. કોઈ પણ સીઝનમાં એ ભાજી સુપાચ્ય, ગુણકારી અને આરોગ્યવર્ધક છે. ગુણમાં તાંદળજો ઠંડો, લૂખો, મળ-મૂત્રની અટકાયત દૂર કરનારો ગણાય છે. ઠંડી તાસીરને કારણે પિત્ત અને કફ દૂર કરે છે. ગરમીની સીઝનમાં આ ભાજી સવોર્ત્તમ ગણાય. બીજા કોઈ પણ મસાલા વિના પણ તાંદળજાની ભાજી માત્ર બાફીને મીઠા સાથે લેવામાં આવે તો એ પાચનક્રિયા સુધારીને કબજિયાત દૂર કરે છે.
સુવાની ભાજી
આ ભાજી માર્કેટમાં બહુ ઓછી જોવા મળે છે, પણ એની વિશિષ્ટ સુગંધથી એ અન્ય ભાજીઓથી અલગ તરી આવે છે. સુવાની ભાજી ઉષ્ણ, તીક્ષ્ણ, લૂખી, તીખી, કફનાશક, વાયુનાશક અને પિત્તકર છે. પિત્તકર ગુણને કારણે એકલી સુવાની ભાજી ખાવાને બદલે એને બટાટા અથવા પાલકની સાથે ઉમેરણ તરીકે વાપરી શકાય.
પાલક
પાલક ખાવાથી શરીરમાં માંસ ધાતુની વૃદ્ધિ થઈ શકે છે. બધી જ ભાજીઓ પેટ સાફ કરે છે અને એ મળશુદ્ધિકારક છે. પાલકના શાકમાં લસણ, આદું, હિંગ પૂરતા પ્રમાણમાં નખાય એ જરૂરી છે. પાલકને બાફીને એના પાણીમાં ઉપરોક્ત મસાલા નાખીને ઘીમાં વઘારી લેવામાં આવે તો આ પાણી વાયુને કાબૂ કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે.