સ્ટેચ્યૂ ઓફ યુનિટીને રેલવેમાર્ગથી જોડવાની કામગીરીનું આગામી સરદાર પટેલ જયંતીએ લોકાર્પણ કરવા રેલવે મંત્રાલય દ્વારા કવાયત હાથ ધરાઈ છે. રૂ. ૨૦ કરોડના ખર્ચે સ્ટેચ્યૂથી ચાર કિ.મી. દૂર કેવડિયામાં રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. ગ્રીન બિલ્ડિંગની થીમ પર બનનાર આ બિલ્ડિંગમાં સોલાર એનર્જી, દિવ્યાંગો માટે વિશેષ ટોયલેટ, બે પ્લેટફોર્મ, વોટર હાર્વેસ્ટીંગની સુવિધા સાથે સરદાર વલ્લભભાઈ પટેલનું આઇકોનિક સિમ્બોલ બિલ્ડિંગના ફ્રન્ટ સાઇડ પર દેખાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. રૂા. ૬૬૩ કરોડના ડભોઈ-ચાણોદ-કેવડિયા સુધીની લાઇનનો સમગ્ર પ્રોજેક્ટ ઝડપથી પૂરો થાય તે માટે કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન સુરેશ અંગડી દ્વારા ડભોઈ-ચાણોદની મુલાકાત લઈ કામગીરી ઝડપી બનાવવા રજૂઆત કરવામાં આવી હતી.
રેલવે દ્વારા હાલ રૂા.૬૬૩ કરોડના ખર્ચે બે પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે જેમાં રૂા.૧૮૦ કરોડના ખર્ચે ડભોઈ-ચાણોદ બ્રોડગેજ લાઇન અને રૂા. ૪૮૩ કરોડના ખર્ચે ચાણોદથી કેવડિયા નવી લાઇન નખાશે. ડભોઈ-ચાણોદ ૧૮ કિ.મી.ના રૂટ પર ચાર કિ.મી. જમીન સંપાદન બાકી છે. સમગ્ર કામ જૂન, ૨૦૨૦ મહિના સુધી પૂરું થશે. જ્યારે ૩૩ કિ.મી. ચાણોદ-કેવડિયા રૂટ પર ૬૦ ટકા કામ થયું છે. બે નવા બનનાર સ્ટેશન ગરૂડેશ્ર્વર અને તિલકવાડા માટે જમીન સંપાદન કરવા કલેક્ટર અને એસ.ડી.એમ.ને બોલાવવામાં આવ્યા હતા. ચાણોદથી કેવડિયા માટે કુલ ૧૭૭ હેકટર જમીનની જરૂર છે જે પૈકી માત્ર ૮૦ હેકટર જમીનનું સંપાદન જ થયુ છે.