સોમવારથી શરૂ થનારા સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષ કેન્દ્ર સરકારને આર્થિક મંદી અને કાશ્મીરની પરિસ્થિતિ જેવા મુદ્દા પર ઘેરવાનો પ્રયત્ન કરશે ત્યારે ગરમાગરમી થવાની સંભાવના છે. કેન્દ્ર સરકાર વિવાદાસ્પદ નાગરિકત્વ સુધારા વિધેયક પસાર કરાવવાનો પ્રયત્ન કરશે. લોકસભામાના શિવસેનાના ૧૮ સાંસદો અને રાજ્યસભાના ૩ સાંસદોને વિપક્ષી હરોળમાં સ્થાન ફાળવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે નાગરિકત્વ સુધારો વિધેયક અગાઉના શાસનકાળ દરમિયાન દાખલ કર્યો હતો પણ વિપક્ષના વિરોધના કારણે તે પસાર થઇ શક્યો નહોતો. બે વટહુકમ બહાર પાડવામાં આવ્યા હતા તે અંગે પણ સંસદની મંજૂરી લેવાની સરકારની યોજના છે. સપ્ટેમ્બરમાં કોર્પોરેટ ટૅક્સ ઘટાડવા અંગેનો વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો અને ઇ-સિગારેટનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવાનો બીજો વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો. ૧૯૫૨ પછી સંસદનું લોકસભાનું પહેલું સત્ર સૌથી વધુ ઉત્પાદક રહ્યું હતું. રાજ્યસભામાં ૩૨ વિધેયક પસાર કરવામાં આવ્યા હતા.
આ અગાઉ શનિવારે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં વિપક્ષે કહ્યું હતું કે ખેડૂતોની દુર્દશા, બેરોજગારી અને જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ બાબતમાં સરકારનો જવાબ માગવામાં આવશે.