ગુજરાતને સર્વાંગી વિકાસના શિખરો સર કરાવવા ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ સાથે સોશિયલ સેકટરમાં આરોગ્ય, શિક્ષણ સહિતમાં વિશેષ ધ્યાન આ સરકારે કેન્દ્રિત કર્યું છે, એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યવ્યાપી શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલના નાગરિક સમા બાળકોની તંદુરસ્તી અને સુખાકારી માટે સંપૂર્ણ આરોગ્ય ચકાસણીનો આ અભિગમ સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ અને હેપીનેસ ઈન્ડેક્સમાં વધારો કરવાનો સંવેદનાપૂર્ણ સફળ અભિગમ છે. ગુજરાતભરમાં ૧.પ૯ કરોડ બાળકો એટલે કે રાજ્યની કુલ વસ્તીના ચોથા ભાગના બાળકોના આરોગ્યની સઘન તપાસ કરીને યોગ્ય નિદાન, સારવારનો આરોગ્ય સેવાનો મહાયજ્ઞ શાળા આરોગ્ય કાર્યક્રમ તહેત રાજ્ય સરકાર સ્વસ્થ બાળ-તંદુરસ્ત રાજ્ય-સક્ષમ રાષ્ટ્રના ભાવ સાથે ચલાવી રહી છે. આ અંગે તેમણે ઉમેરતા કહ્યું હતું કે, બાળક ગર્ભમાં હોય ત્યારથી માંડીને જન્મના પ્રથમ ૧૦૦૦ દિવસ સુધી તેની શરીર, મન, બુદ્ધિના વિકાસની કાળજી લઈએ છીએ. ગંભીર બીમારી જણાય તો સુપર સ્પેશ્યાલિટી સારવાર પણ રાજ્ય સરકાર વિનામૂલ્યે પૂરી પાડે છે. આ આરોગ્ય સેવા કાર્યક્રમમાં ૦થી ૧૮ વર્ષ સુધીના શાળાએ જતા તથા ન જતા બાળકોની આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવે છે. આ માટે ચાર લાખથી પણ વધુ આરોગ્યકર્મીઓ સેવારત છે. શાળા આરોગ્ય કાર્યક્રમ દરમિયાન કેન્સર, હૃદયરોગ, કિડની, કોકલીયર ઈમ્પ્લાન્ટ, કલબ ફૂટ ઉપરાંત બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી જટિલ અને અદ્યતન સારવાર પૂરી પાડીને બાળકને સક્ષમ-સ્વસ્થ મજબૂત બનાવવા રાજ્ય સરકાર કોઈ કસર છોડતી નથી.
આ અવસરે ગાંધીનગરનાં મેયર રિટાબહેન પટેલ, ડેપ્યુટી મેયર નાઝાભાઈ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, મ્યુનિસિપલ કમિશનર ડૉ. રતન ચારણ ગઢવી, જિલ્લા કલેકટર કુલદીપ આર્ય તેમ જ ગુરુકુલ સેકટર-ર૩ના સ્વામી હરિપ્રકાશ સ્વામી અને જ્ઞાનપ્રકાશ સ્વામી, સંતવર્યો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ તથા શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતાં.