રોજ રોજ એકના એક ઢોકળા ખઆઇને કંટાળી ગયા છો પરંતુ ઢોકળાનું નામ આવતા દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. તમે ઘણી વખત ઢોકળા ટ્રાય કર્યા હશે. જ્યારે આજકાલ બાળકો સહિત મોટા લોકોને ગ્રીલ સેન્ડવિચ પણ પસંદ હોય છે. તો આજે અમે તમારા માટે ગ્રીલ સેન્ડવીચ ઢોકળાની રેસીપી લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે સ્વાદિષ્ટ વાનગી બનાવી શકો છો.
સામગ્રી
1/4 કપ – કોર્ન (બાફેલા)
1/4 કપ – મિક્સ કેપ્સિકમ
1/4 કપ – પનીર (છીણેલુ)
1 ચમચી – લીલા મરચા (પેસ્ટ)
1/2 ચમચી – મરી પાવડર
1 ચમચી – ચાટ મસાલો
1/2 ચમચી – રાઇ
1 ચમચી – તલ
2 ચમચી – કોથમીર
જરૂરિયાત મુજબ – ઢોકળાનું ખીરૂ
જરૂરિયાત મુજબ – ગ્રીન ચટણી
સ્વાદાનુસાર – મીઠું
જરૂરિયાત મુજબ – તેલ
બનાવવાની રીત
સૌ પ્રથમ ઢોકળાના કુકરમાં પાણી ઉમેરીને ગરમ કરવા મુકો. તે પછી ગ્રીસ કરેલી થાળીમાં ઢોકળાનું ખીરું પાથરી તેના પર મરી પાવડર છાંટી ઢોકળા સ્ટીમ કરવા. બધા ઢોકળાની આ રીતે થાળી તૈયાર કરવી. ઢોકળાની થાળી સ્ટીમ થઇ ઠંડી થયા પછી આખી થાળી ઉંધી કરી આખો ઢોકળાનો રોટલો કાઢવો. ત્યારબાદ ગોળ કટરથી અથવા વાટકીથી બધા ઢોકળા ગોળ કટ કરવા. એક બાઉલમાં કોર્ન, કેપ્સિકમ, પનીર, લીલા મરચા, ચાટ મસાલો, કોથમીર બરાબર મિક્સ કરી લો. તૈયાર છે સ્ટફિંગ માટેની સામગ્રી. હવે ઢોકળાની એક બાજુ ચટણી લગાવી સ્ટફિંગ મૂકી તેના પર ચટની લગાવેલું બીજું ઢોકળું મૂકી બંધ કરો, હવે ગ્રિલ પેનમાં તેલ લગાવી વઘાર કરી ઢોકળાને બન્ને બાજુ ગ્રિલ કરો. આ જ રીતે બધા સેન્ડવીચ ઢોકળા તૈયાર કરી ગરમા ગરમ સર્વ કરો.