આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થવાનો છે. આજથી શરૂ થતું આ બજેટ સત્ર 31મી માર્ચે પૂરું થશે. આજે વિધાનસભામાં નીતિન પટેલ આઠમી વખત રાજ્ય સરકારનું બજેટ રજૂ કરશે. બજેટ પહેલાં નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં જણાવ્યું કે, રાજ્યના દરેક વર્ગ માટે સારૂં બજેટ હશે. મને વિશ્વાસ છે કે, બજેટ તમામ લોકોને પસંદ આવશે. બજેટમાં વિકાસ માટે તમામ જોગવાઈ કરાશે.
નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, આ બજેટ સર્વાંગી વિકાલલક્ષી બજેટ છે જે દરેક વર્ગ અને દરેક ઉંમરનાં લોકોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવશે. આઠમી વખત બજેટ રજૂ કરવાનો લાભ મને મળી રહ્યો છે તેથી હું ગૌરવ અનુભવું છું. ગુજરાતનાં 6 કરોડ 30 લાખ નાગરિકોને આજનું બજેટ પસંદ આવશે. ગુજરાતનો આગામી વિકાસ દ્રઢ રહેશે.
નાણાવિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલવિધાનસભાગૃહમાં બપોરે 1.15 કલાકે આઠમી વખત રાજ્ય સરકારનું બજેટ રજૂ કરશે. એમણે સૌથી પહેલીવાર 2002માં નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું હતું. વર્ષ 2020-21ના નવા બજેટ વિશે કંઇ પણ કહેવાનો ઇનકાર કરતાં એમણે માત્ર એટલું જણાવ્યું હતું કે, તમામ વર્ગને લાભકારક બજેટ રજૂ કરવાનો પ્રયાસ રહેશે.
વિધાનગૃહમાં રજૂ થનારા વર્ષ બજેટ ઉપર પ્રવર્તમાન આર્થિક મંદીની તીવ્ર અસર જોવા મળશે, કારણ કે વર્તમાન 2019-20ના બજેટના લક્ષ્યાંકો પણ મંદીના કારણે રાજ્ય સરકારની આવક ઘટતાં પૂરા થઈ રહ્યા નથી. મોટો ફટકો કેન્દ્ર સરકાર તરફથી પણ પડયો છે. 14મા નાણાપંચ દ્વારા કેન્દ્ર સરકારે કેન્દ્રીય કરવેરાની કુલ આવકમાંથી 42 ટકા હિસ્સો રાજ્યોને વહેંચવાનું નક્કી કર્યું હતું, પરંતુ કેન્દ્રની આવકમાં જ ધરખમ ઘટાડો થતાં ગુજરાત સરકારને કેન્દ્રીય કરવેરામાંથી રૂ. 6 હજાર કરોડ કરતાં વધુ રકમ ઓછી મળી છે, પણ રાજ્ય સરકારને આવકમાં મોટો માર ચાલુ વર્ષે પડી રહ્યો છે.
ગુજરાત સરકારે વર્ષ 2019-20માં કુલ રૂ. 2.04 લાખ કરોડના કદનું બજેટ રજૂ કર્યું હતું. તેથી નવા વર્ષનું બજેટ સ્વાભાવિક રીતે તેનાથી વધશે, પણ એ માત્ર લાફો મારીને ગાલ લાલ બતાવવાનો ખેલ બની રહેશે, કારણ કે સૂત્રો કહે છે કે, મંદીના કારણે આવકો ઘટતાં ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 20થી 25 હજાર કરોડનો ખાડો પડી રહ્યો છે.