ગાંધીનગર, તા. 26 ફેબ્રુઆરી 2020, બુધવાર
ગુજરાત વિધાનસભા બજેટ સત્રના પ્રથમ દિવસે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ વર્ષ 2020-21નું બજેટ રજુ કરી રહ્યા છે. જેમાં વર્તમાન ભાજપ સરકાર ખેડૂતો અને મધ્યમવર્ગને પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવાના લક્ષ્ય સાથે તેમને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ બજેટમાં સરકાર દ્વારા પાણી પુરવઠા વિભાગ માટે કુલ 4317 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
હર ઘર જલ યોજના
જલ જીવન મિશન અંતર્ગત હર ઘર જલના સૂત્ર સાથે વર્ષ 2022 સુધીમાં રાજ્યમાં બાકી રહેલા 17 લાખ ઘરમાં નળ જોડાણ દ્વારા પીવાનું પાણી પૂરુ પાડવાનું આયોજન છે. જેથી તે માટે સરકારે 724 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
સ્વતંત્ર પાણી પૂરવઠા યોજના
આગામી ત્રણ વર્ષમાં ભૂગર્ભ જળ આધારિત વ્યક્તિગત પાણી પૂરવઠા યોજના હેઠળ દરેક ગામને પાણીના સરફેસ સોર્સ આધારિત જૂથ પાણી પૂરવઠા યોજનાના ભાગ તરીકે આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યુ છે. સ્વતંત્ર પાણી પૂરવઠા યોજનાવાળા ગામને જૂથ પાણી પૂરવઠા યોજના હેઠળ આવરી લેવા માટે આગામી ત્રણ વર્ષ માટે 9300 કરોડ રૂપિયાનું આયોજન કરવામા આવ્યુ છે. જેમાં 4635 ગામની 1.25 કરોડ વસ્તીને લાભ થશે. જેનો લાભ 2200 ગામના 50 લાખ આદિવાસી નાગરિકોને પણ મળશે. જેથી તેમની પાણીની સમસ્યાનું પણ નિવારણ થઈ શકશે.
નળથી જલ અભિયાન
આ યોજના અંતર્ગત ઘરે-ઘરે પાણી પહોંચાડવા માટે ફળિયાઓને મુખ્ય ગામના સમ્પથી જોડવાનુ, ફળિયાઓને પોતાના ગામ ખાતે જરૂરિયાત મુજબની સંગ્રહ ક્ષમતા ઊભી કરવા માટે આગામી બે વર્ષમાં 1 હજાર કરોડ રૂપિયાના કામ હાથ ધરવામાં આવશે. જે થકી લગભગ 8 હજાર ફળિયાઓને મુખ્ય ગામો સાથે જોડવામાં આવશે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં બલ્ક પાઈપલાઈન
સૌરાષ્ટ્ર અને કચ્છને ભવિષ્યમાં પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે નાવડા-બોટાદ-ગઢડા-ચાવંડ, બુધેલ-બોરડા, ચાવંડ-ધરાઈ-ભેસાણ અને ચાવંડ-લાઠી બલ્ક પાઈપલાઈનના કુલ 1400 કરોડ રૂપિયાના કામ શરૂ કરવામાં આવશે. જે માટે સરકારે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
આદિજાતી વિસ્તાર પેટા યોજના
આદિજાતિ વિસ્તારના મહીસાગર, અરવલ્લી, તાપી, પંચમહાલ, દાહોદ તથા નર્મદા જિલ્લાની કુલ 22 લાખ વસ્તીને સમાવેશ કરતી 1700 કરોડ રૂપિયાની 8 જૂથ પાણી પૂરવઠા યોજનાઓ પૂર્ણતાના આરે છે. ત્યારે આદિજાતી વિસ્તાર પેટા યોજના હેઠળ પાણી પૂરવઠાના બાકી કામ માટે 850 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આી છે.
ડીસેલીનેશન પ્લાન્ટ યોજના
સૌરાષ્ટ્ર અને કચ્છના છેવાડાના ગામોમાં જળ સલામતી પ્રદાન કરવા માટે કચ્છના માંડવી, દ્વારકા, ગીરસોમનાથ, ઘોઘા અને તેની આજુબાજુના વિસ્તારમાં 27 કરોડ લીટર ક્ષમતાના ડીસેલીનેશન પ્લાન્ટ સ્થાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના આગામી બે વર્ષ દરમિયાન આ પ્લાન્ટના કેપિટલ ફાળા તરીકે 1080 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર
આ નીતિ અંતર્ગત વડોદરા, જામનગર, ગાંધીનગર અને ભાવનગર ખાતે ગંદા પાણીને ટ્રીટ કરી તેના પુનઃઉપયોગના પ્રોજેક્ટ પ્રગતિમા છે. જેથી રાજ્યના અન્ય શહેરોમાં આ યોજનાનો લાભ વધારવા માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
ગાંધીનગર શહેરમાં 24 કલાક પાણી વિતરણ કરવા માટે 240 કરોડ રૂપિયાની યોજનાની જોગવાઈ કરવામાં આવી છે.