કોરોનાવાઈરસની અસર શેરબજારો પર કયાં સુધી ચાલુ રહેશે તે કળવું મુશકેલ
કોરોનાવાઈરસને કારણે દેશ-વિદેશની કેટલીક ટોચની કંપનીઓની નાણાંકીય સ્થિતિ તાણ હેઠળ
સમાપ્ત થયેલું સપ્તાહ ભારત સહિત વિશ્વના શેરબજારો માટે ૨૦૦૮ની નાણાંકીય કટોકટી બાદનું સૌથી ખરાબ સપ્તાહ પસાર થયું છે. વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાવાઈસરની વૈશ્વિક અર્થતંત્ર પર સૂચિત અસરના ભયને કારણે વિતેલા સપ્તાહમાં વિશ્વભરના શેરબજારોના ઈન્ડેકસોમાં કડાકા બોલાઈ ગયા છે.
વૈશ્વિક રોકાણકારોની મૂડીમાં ૫ ટ્રિલિયન ડોલરથી વધુનું ધોવાણ થયાનો પણ અંદાજ મુકાઈ રહ્યો છે. ચીનમાંથી શરૂ થયેલો આ રોગચાળો થોડાક મહિનાઓમાં સમી જશે અને આર્થિક પ્રવૃત્તિ ફરી થાળે પડશે તેવી આશા હાલમાં ઓસરી ગઈ છે. વિશ્વના અનેક દેશોમાં નવા દરદીઓની સંખ્યા વધતી જાય છે.
કોરોનાવાઈરસ હવે ભયંકર રોગચાળો જેવો જણાય રહ્યો છે. બજારને જો છેડો દેખાતો હોય તો તે કોઈપણ મોટા જોખમને પહોંચી વળી શકે છે પરંતુ હાલમાં આવું કશું નજરે પડતું નથી અને આ રોગચાળો કેટલો ગંભીર હશે તે પણ વિચારી શકાય એમ નથી એક મોર્ગન સ્ટેન્લી સિક્યુરિટીઝ ખાતેના એક સ્ટ્રેટેજિસ્ટે જણાવ્યું હતું.
ઓલ કન્ટ્રી વર્લ્ડ ઈન્ડેકસ એમએસસીઆઈ જે નવેમ્બર ૨૦૦૮માં ૯.૮૦ ટકા ઘટયો હતો તેમાં વર્તમાન સપ્તાહના અંતે ત્યારબાદનો સૌથી વધુ ઘટાડો જોવાયો છે. અમેરિકાનો એસએન્ડપી ૫૦૦ હોય કે જાપાનનો નિક્કી ઈન્ડકેસ કે પછી ચીન, હોંગકોંગ, જર્મની, દરેક દેશના સ્ટોક ઈન્ડેકસ આ સપ્તાહમાં ઐતિહાસિક નીચી સપાટીએ નીચે બંધ રહ્યા છે.
કોરોનાની અસરને કારણે ભારતમાં રોકાણકારોની મૂડીમાં પણ જંગી ધોવાણ થયું છે. કોરોનાવાઈરસને કારણે દેશ-વિદેશની કેટલીક ટોચની કંપનીઓની નાણાંકીય સ્થિતિ તાણ હેઠળ આવી ગઈ છે. એક કન્સટન્સી પેઢીના મત મુજબ રોગચાળો જો આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાશે તો, વિશ્વ વેપાર, માર્કેટસ અને કરન્સીસ માટે તે કપરા ચડાણરૂપ બની રહેશે જે ૨૦૦૮ની નાણાંકીય કટોકટી વેળાએ જોવા મળ્યું હતું. ૨૦૦૮ની કટોકટી વખતે વૈશ્વિક જીડીપીમાં ૦.૫૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો.